અમદાવાદઃ સપ્તાહના અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી થઈ હતી. અમેરિકી ટેરિફને લઈને જારી અનિશ્ચિતતાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 233 પોઇન્ટ તૂટ્યો હતો. FII સતત વેચવાલ રહ્યા છે. ઓગસ્ટમાં અત્યાર સુધી તેઓ રૂ. 15,950 કરોડ બજારમાંથી પરત ખેંચ્યા છે.
સ્થાનક શેરબજારોમાં BSE અને NSEના મોટા ભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા, જેમાં રિયલ્ટી 1.93 ટકા, મેટલ 1.71 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.64 ટકા અને મિડકેપ 1.49 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓટો, ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરાઇવેટ બેન્ક અને IT ક્ષેત્રના શેરોએ બજાર પર દબાણ આણ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય માલસામાન પર 50 ટકા ટેરિફ લગાવી દીધા પછી સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ મુદ્દે વાટાઘાટ ત્યાં સુધી નહીં થાય, ઝ્યાં સુધી ટેરિફ વિવાદન ઉકેલ ના આવે. આ પહેલાં ટ્રમ્પે 25 ટકા શૂલ્ક લાગુ કર્યો હતો.
BSE પર કુલ 4173 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1523 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2506 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 144 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 119 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 110 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 8 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 8 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.




