નફારૂપી વેચવાલીએ સેન્સેક્સ 625 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 25,000ની નીચે

અમદાવાદઃ ઘરેલુ શેરબજારોમાં બે દિવસની તેજી પર બ્રેક લાગી છે. બજારમાં ભારે ઉતાર-ચઢાવ પછી નિફ્ટી અને સેન્સેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ સુધરીને બંધ થયા હતા. ડિફેન્સ શેરોમાં લેવાલી થઈ હતી. એ સાથે PSU બેન્ક, રિયલ્ટી અને ફાર્મા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. જોકે FMCG, IT અને ઓટો શેરોમાં વેચવાલીનુ દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોના રૂ. 1.13 લાખ કરોડ ડૂબ્યા હતા.

એશિયન બજારોમાં મોટા ભાગનાં બજારોમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં વધતી રાજકોષીય ખાધ અને અર્થતંત્ર માટેનાં જોખમોની ચિંતાને કારણે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જારી રહ્યો હતો. એની અસર ઘરેલુ શેરબજાર પણ જોવા મળ્યો હતો.

ડિફેન્સ શેરોમાં સતત પાંચમા સેશનમાં તેજી રહી હતી. ગાર્ડન રીચ ત્રણ ટકા, બ્લોક ડીલના સમાચાર પછી ઇન્ડિગો શેર બે ટકા ઘટીને બંધ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે નિફ્ટી 175 પોઇન્ટ તૂટીને 24,826ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 625 પોઇન્ટ તૂટીને 81,552ના  મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 219 પોઇન્ટ તૂટીને 55,353ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 57,155ના સ્તરે બંધ થયો હતો.

BSE પર કુલ 4084 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1958 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1975 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 151 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 89 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 252 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 201 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.