ચારૂસેટમાં વિખ્યાત સંતૂરવાદક તરુણ ભટ્ટાચાર્યનો કાર્યક્રમો યોજાયો

ચાંગા: ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા  ચારુસેટ કેમ્પસમાં 1લી ઓગસ્ટ, 2024ના રોજ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્યના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથે તબલાવાદક પંડિત જ્યોતિર્મય રોયચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સ્પીક્મેકેના સહયોગથી કરવામાં આવ્યું હતું.

ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ દ્વારા ચારુસેટ સ્પીકમેકે હેરિટેજ ક્લબ અંતર્ગત કરવામાં આવેલી આ પહેલને બિરદાવવામાં આવી હતી. ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટિ ઓફ હ્યુમેનીટીસના ડીન ડૉ. ભાસ્કર પંડ્યાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રી મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કિંજલ ભાટિયા અને આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રિયંકા પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લગભગ 260 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સંતૂર અને તબલા વચ્ચેના સુરીલા સંવાદનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સાંસ્કૃતિક જાગૃતિ અને શિક્ષણ પર ભાર મુકવાના આગ્રહ સંબંધિત આ કાર્યક્રમ હતો. પંડિત તરુણ ભટ્ટાચાર્ય સંગીત નાટક એકેડેમી પુરસ્કાર વિજેતા અને વૈશ્વિક સ્તરે પ્રશંસા પામેલા સંતૂર ઉસ્તાદ છે. તેઓ અભિવ્યક્ત મીન્ડ શૈલી અને “મેનકા’સ” ફાઇન ટ્યુનર્સ જેવી નવીનતાઓ સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ક્રાંતિ લાવ્યા છે. એક સામાજિક કાર્યકર તરીકે તેઓ પોલિયો નાબૂદી અને થેલેસેમિયા જાગૃતિ જેવા ઉમદા કાર્યોની હિમાયત કરે છે તેમજ વિવિધ સખાવતી પહેલ માટે વિવિધ કાર્યક્રમો કરતા રહે છે.