સમાજવાદી પાર્ટીની PDA પાઠશાળાઃ A ફોર અખિલેશ, D ફોર ડિમ્પલ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ PDA પાઠશાળા અભિયાન ચલાવી રહ્યા છે. આ પાઠશાળાઓ તેમના અભ્યાસના નવી-નવી ઢબને લઈ ચર્ચામાં છે. અહીં બાળકોને અંગ્રેજી વર્ણમાળામાં શિખવાડવામાં આવે છે કે A ફોર અખિલેશ યાદવ, D ફોર ડિમ્પલ યાદવ અને M ફોર મુલાયમસિંહ યાદવ.  એ સાથે B ફોર ભીમરાવ અંબેડકર અને C ફોર ચૌધરી ચરણસિંહ પણ શિખવાડવામાં આવે છે.

ખાસ વાત એ છે કે અત્યાર સુધી દરેકે પોતાના જીવનમાં A ફોર એપલ અને B ફોર બનાના શીખ્યું છે, પરંતુ સમાજવાદની આ PDA પાઠશાળા હવે અખિલેશ, મુલાયમ અને ડિમ્પલ યાદવ શીખવે છે.

હકીકતમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે સમાજવાદી લોકો PDAની પાઠશાળા ચલાવીને બાળકોને શિક્ષિત કરવાનું કામ કરશે. તેમણે પાર્ટી કાર્યકરોને અપીલ પણ કરી હતી કે સમાજવાદી સાથીઓ એવાં ગામોમાં જઈને ટીમ બનાવે જ્યાં સરકારી શાળાઓ બંધ છે અથવા બંધ થવાની કગાર પર છે.

હાલમાં UP સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો કે રાજ્યભરની એવી સ્કૂલોને મર્જ કરવામાં આવશે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. આવી સ્કૂલોને નજીકની મોટા સ્કૂલો સાથે મર્જ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યાર બાદ સમાજવાદી પાર્ટી તરફથી PDA પાઠશાળા શરૂ કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ પાઠશાળાઓ ચાલી રહી છે. હકીકત એ છે કે જ્યાં જ્ઞાનની પાઠશાળા હોવી જોઈએ ત્યાં રાજકીય પાઠશાળા ચાલી રહી છે. સહારનપુરમાં PDA પાઠશાળા હેઠળ એવી શાળા ચાલી રહી છે જેને રાજકીય રંગ આપવામાં આવ્યો છે.