ક્રિકેટજગતમાં હંગામોઃ  ભારતીય ખેલાડીઓ પર રિવાબા જાડેજાનો ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની પત્ની અને ગુજરાત સરકારમાં મંત્રી રિવાબા જાડેજા ફરી એક વાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. રિવાબાએ એક કાર્યક્રમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર એવો આરોપ મૂક્યો છે કે જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમનું નિવેદન સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સથી લઈને એક્સપર્ટ્સ સુધી સૌ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રિવાબાનો સનસનીખેજ આરોપ

આ કાર્યક્રમમાં પોતાની પતિની ઈમાનદારી અને શિસ્તની પ્રશંસા કરતાં રિવાબાએ અચાનક અન્ય ભારતીય ખેલાડીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જાડેજા દુનિયાના અનેક દેશોમાં—લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા—રમવા જાય છે, પરંતુ ક્યારેય કોઈ ખોટી આદત કે વ્યસનમાં પડ્યા નથી. એ પછી તેમણે કહ્યું હતું કે ટીમના બાકીના બધા ખેલાડીઓ વિદેશ જઈને ખોટાં કામ કરે છે. જોકે તેમણે કોઈ ક્રિકેટરનું નામ નહોતું લીધું, પણ આ નિવેદન ટીમ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પર એક સામાન્ય આરોપ તરીકે જોવામાં આવે છે.

તેમનો આ આરોપ સૌને આશ્ચર્યમાં મૂકનાર હતો, કારણ કે તેમણે સીધો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની સંસ્કૃતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.તેમણે વધુમાં કહ્યું હતું કે જાડેજા ઇચ્છે તો તે પણ બીજાઓ જેવું કરી શકે, તેમને મને પૂછવાની જરૂર નથી. પરંતુ તેઓ પોતાની જવાબદારીઓ સમજે છે અને હંમેશાં અનુશાસિત રહે છે.

ક્રિકેટ ફેન્સમાં હલચલ

રિવાબાનું નિવેદન બહાર આવતાં જ સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયાઓની વરસાદ શરૂ થઈ ગયો. આ પહેલીવાર નથી કે રિવાબા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી હોય, પરંતુ આ વખતે મામલો ક્રિકેટરો સાથે જોડાયેલો હોવાથી વિવાદ વધુ મોટો બની ગયો છે.