નવી દિલ્હીઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફૂટની અટકળોને દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ગેરહાજર રહેલા છ સાંસદોએ લગભગ સાચી ઠેરવી છે. શિવસેના સંસદીય દળના કાર્યાલયમાં પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી. આ બેઠક માટે શિવસેના (UBT)ના મુખ્ય ચીફ વ્હિપ અનિલ દેસાઈએ તમામ સાંસદોને હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો હતો, પરંતુ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો, કારણ કે જેમના પર સૌની નજર હતી તે બળવાખોર સાંસદો બેઠકમાં પહોંચ્યા જ નહીં.
શિવસેના (UBT)ના છ લોકસભા સાંસદો બેઠકમાં ગેરહાજર રહ્યા, જ્યારે માત્ર ત્રણ સાંસદોએ બેઠકમાં હાજરી આપી. આ ઘટનાને ઉદ્ધવ ઠાકરે માટે મોટો આંચકો અને એકનાથ શિંદે ગ્રુપ માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
આ લોકસભા સાંસદો બેઠકમાં પહોંચ્યા નહીં
- સંજય દીના પાટીલ
- સંજય દેશમુખ
- નાગેશ પાટીલ અષ્ટીકર
- ઓમરાજે નિંબાલકર
- ભાઉસાહેબ વાકચૌરે
- સંજય જાધવ
ઉદ્ધવની બેઠકમાંથી છ સાંસદો ગેરહાજર
ઉદ્ધવ ઠાકરેના સાંસદ અરવિંદ સાવંત દ્વારા બોલાવવામાં આવેલી ગ્રુપ લીડર્સની બેઠકમાં આ છ સાંસદો હાજર રહ્યા નહોતા. શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેએ કહ્યું હતું કે આજની બેઠક માટે UBT દ્વારા જારી કરાયેલા વ્હિપનું કોઈ ખાસ મહત્વ નથી. આ બેઠકને લઈને સૌની નજર બળવાખોર સાંસદો પર હતી. તેઓ બેઠકમાં આવશે કે નહીં તેની રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ છ સાંસદોની ગેરહાજરીએ શિવસેના (UBT)માં બળવાખોરી ખુલ્લેઆમ સામે આવી હોવાનું દર્શાવ્યું હતું.

નવા ગ્રુપની રચનાની ચર્ચા
દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે શિવસેનાના કેટલાક સાંસદો પાર્ટીથી અલગ થઈને નવું ગ્રુપ બનાવી શકે છે. આ અટકળોને વિરામ આપવા માટે જ તમામ સાંસદોની બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી હતી, પરંતુ બળવાખોર સાંસદોએ બેઠકમાં ગેરહાજર રહીને પોતાનો સંદેશ સ્પષ્ટ આપી દીધો.
ગેરહાજર સાંસદો સામે કાર્યવાહી થશે
ઠાકરે ગ્રુપે બેઠકમાં ગેરહાજર રહેલા સાંસદો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે. શિંદે ગ્રુપમાં જોડાવા જઈ રહેલા આ સાંસદોને નોટિસ મોકલવામાં આવશે.






