કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને TMCના સાંસદ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધી શકે છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તેમની ધરપકડના વોરંટ પર મુકાયેલી વચગાળાની રોક હટાવી દીધી છે, જેને કારણે એમપી પોલીસ તેમને કોઈ પણ સમયે ધરપકડ કરી શકે છે. આ મામલો નવેમ્બર, 2020નો છે. કોલકાતામાં યોજાયેલી એક રેલી દરમિયાન અભિષેક બેનર્જીએ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેના વિરોધમાં આકાશ વિજયવર્ગીયે ભોપાલની એમપી-એમએલએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટ શા માટે નારાજ?
આ મામલાની સુનાવણી દરમિયાન એમપી-એમએલએ કોર્ટે અભિષેક બેનર્જી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ત્યાર બાદ અભિષેક બેનર્જીની તરફથી દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે તેઓ એક સાંસદ છે અને તેમના ફરાર થવાની કોઈ શક્યતા નથી. આ દલીલને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટની બેન્ચે 12 નવેમ્બર, 2025એ ધરપકડ વોરંટ પર સ્ટે મૂક્યો હતો. પરંતુ બુધવારે થયેલી સુનાવણી દરમિયાન અભિષેક બેનર્જીની તરફથી કોઈ વકીલ કે પ્રતિનિધિ હાજર ન રહ્યો. આ બાબતને ગંભીરતાથી લઈને કોર્ટે નોંધ્યું કે અરજદાર પોતે જ આ અરજીને આગળ વધારવામાં ખાસ રસ દાખવી રહ્યા નથી. તેથી ધરપકડ વોરંટ પર મૂકવામાં આવેલો વચગાળાનો સ્ટે દૂર કરવામાં આવે છે.
EDએ પણ કરી હતી પૂછપરછ
આ કેસ ઉપરાંત, પશ્ચિમ બંગાળના કથિત શિક્ષક ભરતી કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 16 જૂને અભિષેક બેનર્જીની 11 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. તેમના વિરુદ્ધ અન્ય બે કેસ પણ નોંધાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોતાના સંસદીય ક્ષેત્ર ડાયમંડ હાર્બરમાં પણ તેઓ કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે. અભિષેક બેનર્જીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ કેસોથી ડરવાના નથી અને ભાજપ સામે ક્યારેય આત્મસમર્પણ નહીં કરે. તેમણે દાવો કર્યો કે તેમનું ગળું કાપી નાખવામાં આવે તો પણ તેઓ ડરીને પાછળ નહીં હટે.






