રવિદર્શન વ્યાસનું ‘જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ’ પેઈન્ટિંગ એક્ઝિબિશન

અમદાવાદ: અર્વાચીન ભારતીય ચિત્રકળાના પિતામહ ગણાતા રાજા રવિ વર્માના ચિત્રોમાંથી પ્રેરણા લઈને કોઈ પણ પ્રકારની તાલીમ વગર ડૉ. રવિદર્શન વ્યાસે ખૂબ જ સુંદર ચિત્રો કંડારયા છે. હિન્દુ ધર્મગ્રંથો, ઈતિહાસ અને મહાકાવ્યોમાંથી પ્રેરિત આ ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની હઠીસિંઘ આર્ટ ગેલેરી ખાતે ગત 7 થી 9 માર્ચ દરમિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં મૂકવામાં આવેલા 20 જેટલાં ચિત્રોમાં હિન્દુ સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોની વાર્તા જોવા મળી હતી.એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલ પેઈન્ટિંગ્સ વિશે વાત કરતા રવિદર્શન વ્યાસએ કહ્યું, “માં ભુવનેશ્વરીના દૈવિક સ્વરૂપ અને રામાયણ, મહાભારત, દેવી ભાગવત તથા આપણા ભારતના ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ પાત્રોને ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઈલમાં પ્રસ્તુત કર્યા છે. આ ચિત્રો બનાવવા માટે રાજમહેલની કામગીરી, ભવ્ય ઈન્ટિરિયર્સ, ઉત્કૃષ્ટ કલાકારી ધરાવતા અલંકારો, વિવિધ સંસ્કૃતિઓ, જગ વિખ્યાત સંગ્રહાલયોમાંથી પ્રેરિત કલાકૃતિઓનો મેં અભ્યાસ કર્યો છે.” ગોંડલની જગવિખ્યાત સંસ્થા શ્રી ભુવનેશ્વરી પીઠ મંદિર અને તેનો 117 વર્ષનો જળહળતો ઈતિહાસ સહુ કોઈ જાણે છે. તેના આદ્યસ્થાપક રાજવૈદ્ય આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ આયુર્વેદ, ધર્મ અને ભારતવર્ષના ઇતિહાસમાં ગાંધીજીને “મહાત્મા”નું બિરુદ આપી ગોંડલને ગૌરવ આપ્યું હતુ. ત્યાર બાદ તેમના પુત્ર ગોપાલરત્ન આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજે આ પરંપરા આગળ વધારી. આયુર્વેદ, ધર્મ, ગૌસંવર્ધન, અશ્વસંવર્ધન વગેરે અનેક પ્રવૃતિઓથી ગોંડલને સમગ્ર વિશ્વના નકશા પર તેમણે પ્રચલિત કર્યું. 1997માં હોમિયોપેથીમાં મેડિકલ ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી આ સમગ્ર સંસ્થાની જવાબદારી તેમના પુત્ર ડો.રવિદર્શને સંભાળી છે. નાનપણથી જ કલાપ્રેમી હોવાથી તેઓ ચિત્રકલામાં રૂચી ધરાવતા. તેઓ કહે છે કે તેમની સ્કૂલ બૂક ચિત્રોથી ભરેલી રહેતી અને તેમના નિવાસ સ્થાનની દિવાલો પર પણ ખાલી જગ્યા બચેલી ન હતી. આ રૂચીને જાતમહેનતથી વિકસિત કરીને તેમણે ચિત્રકલાને આગળ વધારી. ભારત વર્ષના ખ્યાતમાન ચિત્રકાર રાજા રવિવર્માને તેમણે પોતાના ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલી અપનાવી છે.

ડૉ. રવિદર્શન વ્યાસના 50 જેટલાં પેઇન્ટિંગ્સમાં શ્રીકૃષ્ણ, રૂક્ષ્મણી, શ્રીલંકામાં સીતા માતા, મંદોદરી અને રાવણ વચ્ચેના ભાવો જોઈ શકાય છે. શ્રી ભુવનેશ્વરી પીઠના પટાંગણમાં તેમની ઓફિસમાં એક આર્ટ ગેલેરી આવેલી છે. જેમાં તેમનું અંગત સંગ્રહાલય પણ છે. આ ગેલેરી 2017માં સ્થાપિત થયેલ છે. જેને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે.