રાજકોટ: તારીખ 25મી મેના રોજ ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાની રાખ હજુ ઠરી નથી, ત્યાં એક પછી એક નવા-નવા વળાંક આ દુર્ઘટનામાં સામે આવતા જાય છે. એક વ્યકિતએ પોલીસ અને તંત્રને તેના ભાણેજ અને બે જૂના પાડોશી ગુમ થયાની જાણ કરી હતી. આ મામલે પોલીસ અને વહીવટી તંત્રએ તપાસ કરતા આ ફરિયાદ ખોટી નીકળી. અંતે ફરિયાદી સામે ખુદ પોલીસે ફરિયાદ કરી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેમની સામે ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધાયો તેમનું નામ વિજય લાભશંકર પંડ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
અત્યાર સુધીમાં આ ભયાનક દુર્ઘટનામાં 27 મૃતકોના ડી.એન.એ. સેમ્પલ મેચ થયા બાદ ઓળખ થઈ ચૂકી છે અને મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે હવે કોઈ ગુમ ન હોવાનું જાહેર કર્યું છે. સાથે જ કોઈને હજુ પણ પરિવારજનો આ ઘટનામાં ગુમ હોય તેવી આશંકા હોય તો પોલીસને જાણ કરવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.