રાજકોટ: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે તેમના જ નિવાસસ્થાને લોકદરબાર ભરાયો હતો. તે જ સ્થળ પર એક વ્યક્તિએ કોઈ કાગળો બતાવી CMને થપ્પડ મારી હુમલો કર્યો હતો. આ હુમલો કરનાર વ્યક્તિ રાજકોટનો રિક્ષાવાળો હોવાનું બહાર આવ્યું છે અને તે પશુપ્રેમી હોય એવા કોઈ કારણથી તે CM સમક્ષ રજૂઆત કરવા ગયો હોવાની શક્યતા છે. જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.રાજેશ સાકરિયા નામનો આ શખ્સ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર ગણેશ પાર્કમાં રહે છે અને રીક્ષા ચલાવે છે. રાજકોટ પોલીસ પણ આજે તેના ઘરે દોડી ગઈ હતી અને પરિવારજનોને મળી તપાસ હાથ ધરી છે. ગત રવિવારે રાજેશ રાજકોટથી નીકળ્યો હતો અને દિલ્હી પહોંચ્યો હતો.
પરિવારજનોના કહેવા મુજબ તે શિવભક્ત હોય વારંવાર ઉજ્જૈન જાય છે. આ વખતે પણ ઉજ્જૈનનું કહીને દિલ્હી પહોંચ્યો હતો. પરિવારે ગઈકાલે ફોન કર્યો તો એવું કહ્યું કે હું દિલ્હી છું અને કૂતરા માટે આવ્યો છું.
એવું બહાર આવ્યું છે કે રાજેશ નામનો આ શખ્સ કૂતરાનો એક વિડીયો જોઈને ખૂબ ગુસ્સે થયો હતો. પરિવારના લોકોના કહેવા મુજબ તે ખૂબ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. ઘરના લોકો સાથે પણ અનેક વખત ગુસ્સામાં ઝઘડા કરે છે. રાજકોટ પોલીસે પરિવારનું નિવેદન લઈ વિશેષ તપાસ હાથ ધરી છે. રાજકોટના એક શખ્સે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કર્યાની ઘટનાએ શહેરમાં પણ ચર્ચા ઊભી કરી છે.
(દેવેન્દ્ર જાની-રાજકોટ)
