રેલવેમાં બેસ્વાદ અને ખરાબ ખાવાની 19,000 ફરિયાદ મળીઃ રેલ મંત્રી

નવી દિલ્હીઃ રેલવેમાં મુસાફરી કરતી લાખો યાત્રીઓ માટે ટ્રેનમાં મળતું ખાવાનું હવે ચિંતા અને સમસ્યાનો વિષય બન્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં રેલવેને બેસ્વાદ અને ખરાબ ખોરાક અંગે કુલ 19,427 ફરિયાદો મળી છે. આ ચોંકાવનારો આંકડો શુક્રવારે રાજ્યસભામાં રજૂ થયો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે રેલવેના ભોજનના વહીવટમાં ગંભીર ખામીઓ છે.

રાજ્યસભામાં CPM સાંસદ જોન બ્રિટાસના સવાલના જવાબમાં રેલ મંત્રીએ જણાવ્યું કે વર્ષ 2023-24માં ખોરાક અંગે 7026 ફરિયાદો, જ્યારે 2024-25ના અત્યાર સુધીના આંકડાઓમાં 6645 ફરિયાદો આવી છે. જોકે આ થોડી ઘટતી સંખ્યા છે, પરંતુ 2020-21ની તુલનાએ તો આ ખૂબ જ વધુ છે, કારણ કે તે વર્ષે માત્ર 253 ફરિયાદો આવી હતી.રેલવેનો દાવો છે કે ફરિયાદોને ઝડપથી ઉકેલવામાં આવી છે. કુલ 3137 કેસોમાં દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 9627 વખત વેચાણકર્તાઓને ચેતવણી આપવામાં આવી હતી. 4467 કેસોમાં દુકાનદારોને સમજાવવામાં આવ્યા અને યોગ્ય રીતે સેવા આપવા માટે સૂચના આપવામાં આવી. માત્ર એક જ કેસમાં (2021માં) કોઈ સેવા આપનારાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું. જ્યારે 2195 ફરિયાદો આવી હતી, જેને સ્થળ પર જ ઉકેલી દેવામાં આવી.

રેલવેના ભોજન વ્યવસ્થાપનનું સંચાલન કરતી IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા વિવિધ ટ્રેનોમાં સેવા આપવા માટે 20 સર્વિસ કોન્ટ્રેક્ટરોને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે. તેમાં વંદે ભારત અને અન્ય લાંબા અંતરની ટ્રેનો સામેલ છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખોરાકની ગુણવત્તા સુધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે – જેમ કે બેઝ કિચનમાં CCTV કેમેરા લગાવ્યા, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની નિમણૂક, ટ્રેનમાં સુપરવાઇઝરો, અચાનક નિરીક્ષણો અને નિયમિત ભોજન પરીક્ષણો વગેરે.