નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલી દે અને તેના પછી શું કરી નાખે, એ કોઈ આગાહી કરી શકે તેવી વાત નથી. ટ્રમ્પ એક તરફ ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દે છે તો બીજી તરફ ભારતને પોતાનો સાચો મિત્ર પણ કહી દે છે. અમેરિકા હંમેશાં જ આવાં કૃત્યો માટે જાણીતું રહ્યું છે.
હવે અમેરિકાએ G7 દેશોને ભારત અને ચીન પર 100 ટકા સુધી ટેરિફ લગાવવા કહ્યું છે. આ પહેલાં પણ તે યુરોપિયન યુનિયન પર આવું દબાણ બનાવી ચૂક્યું છે.
G7ના નાણાં મંત્રીઓ કરશે બેઠક
શુક્રવારે G7નાં મુખ્ય અર્થતંત્રોના નાણાં મંત્રીઓ વિડિયો કોલ મારફતે બેઠક કરશે. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુક્રેનમાં શાંતિ સમજૂતીના પ્રયાસ હેઠળ અમેરિકા દ્વારા તૈયાર કરાયેલા નવા પ્રસ્તાવો પર ચર્ચા થશે. આ બેઠક સાથે જોડાયેલાં સૂત્રોએ દાવો કર્યો છે કે અમેરિકા તેમાં G7 દેશો પર ભારત અને ચીન દ્વારા રશિયન તેલની ખરીદી માટે ભારે શૂલ્ક (ટેરિફ) લગાવવા દબાણ કરશે.
આ શૂલ્ક કેટલો હશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ કહેવાય છે કે અમેરિકાએ 50થી 100 ટકા વચ્ચે ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ પહેલાં અમેરિકાના નાણાં વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે અમારા યુરોપિયન યુનિયનના સાથીઓને સ્પષ્ટ કહી દીધું છે કે જો તેઓ પોતાના દેશમાં યુદ્ધ સમાપ્ત કરવાના વિષયમાં ગંભીર છે, તો તેમને અમારી સાથે મળી શૂલ્ક લગાવવા પડશે.
તેમણે G7નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અમારા G7 ભાગીદારોને પણ અમારી સાથે પગલાં ભરવાની જરૂર છે. ગયા મહિને અમેરિકાએ ભારત પર ટેરિફ વધારીને 50 ટકા કરી દીધો હતો. જ્યારે યુરોપિયન યુનિયન પણ પોતાની ગેસનો આશરે પાંચમો ભાગ રશિયાથી ખરીદે છે.
