રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્વર પુજારાએ આજે રાજકોટ નજીક આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે છત્તીસગઢ સામે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચમાં 243 રન ફટકારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની 18મી ડબલ સદી ફટકારી હતી. દુનિયાનો ચોથો ક્રિકેટર બન્યા છે કે જેમણે 18મી વખત બેવડી સદી ફટકારી હોય. પ્રથમ ક્રમે ડોન બ્રેડમેનનો 37 વાર બેવડી સદીનો રેકોર્ડ છે. જ્યારે ડબલ્યુ. હેમન્ડે 36 બેવડી સદી ફટકારી હતી અને પેસ્ટી હેન્ડ્રિને 22 બેવડી સદી ફટકારી હતી.સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની એલિટ ગ્રુપની રણજી મેચમાં આજે મેચના ચોથા દિવસે સૌરાષ્ટ્રની ટીમે દાવને આગળ વધાર્યો ત્યારે ચેતેશ્વર 75 અને શેલ્ડન જેક્શન 57 રને રમવા ઉતર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ હોમ પીચ ઉપર ફરી એક વાર કૌવત બતાવીને 383 બોલમાં 234 રન ફટકાર્યા હતા. તેમાં 25 ચોગ્ગા અને એક સિક્સનો સમાવેશ થાય છે. આજના રન સાથે ચેતેશ્વર પુજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 18મી બેવડી સદી અને 66મી સદીનો અનોખો રેકોર્ડ નોંધાયો છે.આ ઉપરાંત પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 21,000 રનનો માઇલ સ્ટોન આજે ક્રોસ કરી આટલા રન કરનાર ક્રિકેટરોની ક્લબમાં સામેલ થયો છે. આજની રણજી મેચમાં સૌરાષ્ટ્રની ટીમે 478 રન આઠ વિકેટે બનાવ્યા હતા. મેચમાં બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા હતા. ચેતેશ્વરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
(દેવેન્દ્ર જાની – રાજકોટ )
(તસવીર – નીશુ કાચા)