સોનિયા ગાંધીના પુસ્તકને લઈને રાજકીય વિવાદ!

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક જંગ તેજ બન્યો છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા પર ભારતમાં આ પુસ્તક પ્રકાશિત ન કરવા માટે દબાણ હતું. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે પાર્ટી આ મામલે ડરની ખોટી કહાની ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે તે ભારતમાં આ પુસ્તકનો પ્રકાશક નથી. આ પહેલાં પેંગ્વિન રેન્ડમ હાઉસના અમેરિકન ઇમ્પ્રિન્ટ આલ્ફ્રેડ એ. નોફે પુસ્તક 10 નવેમ્બરે રિલીઝ થવાની જાહેરાત કરી હતી.

પેંગ્વિન ઇન્ડિયાએ શું કહ્યું?

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ કહ્યું હતું કે તે ભારતમાં ‘Belonging’નું પ્રકાશન કરી રહ્યું નથી. કંપનીએ એમ પણ કહ્યું કે લેખિકા તરફથી સંપાદકીય ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાથી તેણે પુસ્તક પ્રકાશિત કર્યું નથી એવું કહેવું યોગ્ય નહીં હોય. પ્રકાશકના જણાવ્યાનુસાર પુસ્તકને લઈને થયેલી ચર્ચા દરમિયાન તે તેને પ્રકાશિત કરવા માટે તૈયાર અને ઉત્સુક હતો.

કંપનીએ કહ્યું હતું કે કોઈ પણ પુસ્તકના પ્રકાશન પહેલાં ફેક્ટ-ચેક કરવું અને લેખકને જરૂરી સૂચનો આપવાં પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે. જોકે પેંગ્વિન ઇન્ડિયાએ સોનિયા ગાંધી અથવા તેમની ટીમ સાથે થયેલી વાતચીતની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.

ગૌરવ ગોગોઈએ પેંગ્વિનના નિવેદન પર ઉઠાવ્યા સવાલ

લોકસભામાં કોંગ્રેસના ડેપ્યુટી લીડર ગૌરવ ગોગોઈએ પેંગ્વિન ઇન્ડિયાના નિવેદનની ટીકા કરી હતી. તેમણે X પર સવાલ ઉઠાવતા કહ્યું કે પેંગ્વિન ઇન્ડિયાએ અગાઉ ‘એગ્ઝામ વોરિયર’ અને RSS સાથે જોડાયેલાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે, પરંતુ હવે સોનિયા ગાંધીના પુસ્તકને લઈને અલગ વલણ કેમ અપનાવવામાં આવી રહ્યું છે.

ભાજપે કોંગ્રેસના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

કોંગ્રેસના આરોપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર. કેશવને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પુસ્તકના મુદ્દે ‘કહાનીઓ ઘડવાનો’ અને ડરની ખોટી કહાની ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કયા મુદ્દાઓ પર થઈ હતી કથિત ચર્ચા?

કોંગ્રેસ સાથે જોડાયેલાં સૂત્રોને ટાંકીને આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીના પુસ્તકના કેટલાક હિસ્સાને લઈને પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા અને તેમની ટીમ વચ્ચે વાતચીત થઈ હતી. તેમાં ચીન સાથેનો સરહદી વિવાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અને RSS સાથે જોડાયેલા મુદ્દાઓ મુખ્ય હોવાનું જણાવાયું છે.