ઉત્તર પ્રદેશ: નેપાળમાં આવેલા વિનાશક પૂરની ભયાનક અસર ભારતની સરહદ સુધી પહોંચી છે. છેલ્લા બે દિવસમાં ઉત્તર પ્રદેશની ગંડક નદીમાંથી તણાઈને આવેલા ૧૦ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ મૃતદેહો નેપાળમાં આવેલા પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈને ભારતીય સીમામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહરાજગંજ અને કુશીનગર જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી આ મૃતદેહો મળી આવ્યા છે. ગુરુવારે મહરાજગંજમાંથી બે મહિલાઓ સહિત ત્રણ મૃતદેહ મળ્યા. શુક્રવારે કુશીનગર જિલ્લામાંથી અન્ય ત્રણ મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એસ.ડી.આર.એફ. (SDRF) અને સશસ્ત્ર સીમા બલ (SSB)ની બચાવ ટીમો દ્વારા મોટરબોટની મદદથી આ મૃતદેહોને બહાર કાઢી મોર્ચેરીમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે મૃતકોની ઓળખ કરવા માટે ભારતીય અધિકારીઓ નેપાળી તંત્રના સતત સંપર્કમાં છે.
26મી ઓગસ્ટના રોજ નેપાળના રસુવા ક્ષેત્રમાં ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરને કારણે આ હોનારત સર્જાઈ હતી. પૂરના પ્રવાહમાં માત્ર મૃતદેહો જ નહીં પરંતુ વાહનો, ઘરવખરીનો સામાન, ગેસ સિલિન્ડર અને લાકડા જેવો મોટો ભંગાર પણ તણાઈને કાંઠે આવ્યો છે. ગંડક નદીના ઝડપી પ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને પાણીમાં ન ઉતરવા કડક સૂચના આપી છે.




