PM મોદીએ મારુતિની સૌપ્રથમ EV e-વિટારાને આપી લીલી ઝંડી

અમદાવાદઃ વડા પ્રધાન  નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની મુલાકાતે છે. જ્યાં તેમણે મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર e-વિટારાને લીલી ઝંડી દેખાડી છે. ત્યાર બાદ તેમણે જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેર વર્ષ પહેલાં જ્યારે હું ગુજરાતનો CM હતો, ત્યારે અમે મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી. ત્યારે પણ અમારું વિઝન ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઇન્ડિયા’નું જ હતું.’ આ અવસરે તેમણે ગુજરાતમાં TDS લિથિયમ-આયર્ન બેટરી પ્લાન્ટમાં હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે.

ગુજરાતના અમદાવાદમાં PM મોદીએ કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું કે આજે ભારતની ‘મેક ઈન ઈન્ડિયા’ યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે. આ મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના આપણા લક્ષ્ય તરફ એક મોટો કૂદકો છે. આજથી ભારતમાં બનેલાં ઈલેક્ટ્રિક વાહનોનો એક્સપોર્ટ 100 દેશોમાં કરવામાં આવશે. એ સાથે જ હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોલાઇટનું મેન્યુફેક્ચરિંગ પણ આજથી શરૂ થઈ રહ્યું છે.

આ દિવસ ભારત અને જાપાનની મિત્રતાને પણ એક નવો આયામ આપી રહ્યો છે. એક રીતે કહીએ તો 13 વર્ષ કિશોરાવસ્થાની શરૂઆતનું પ્રતીક છે અને કિશોરાવસ્થાએ પાંખો ફેલાવાનો સમય હોય છે. એ સપનાંઓને ઉડાન આપવાનો સમય હોય છે અને કિશોરાવસ્થામાં ઘણાં સપનાં વિકસે છે. મને આનંદ છે કે આજે મારુતિ પોતાની કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહી છે. ગુજરાતની મારુતિ પોતાની કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહી છે, એટલે કે આવતા દિવસોમાં મારુતિ નવી પાંખો ફેલાવશે અને નવા જોશ અને ઉત્સાહ સાથે આગળ વધશે. ભારતની સફળતાની ગાથાનાં બીજ લગભગ 13 વર્ષ પહેલાં વાવવામાં આવ્યાં હતાં. 2012માં જ્યારે હું અહીંનો CM હતો, ત્યારે અમે હાંસલપુરમાં મારુતિ સુઝુકીને જમીન ફાળવી હતી.