ઇમ્ફાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2023ની મણિપુર હિંસા પછી સૌપ્રથમ વાર ત્યાં પહોંચ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેમણે અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ચૂડાચાંદપુરમાં રૂ. 7300 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં રસ્તા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ સેવાઓને મજબૂત કરવાનો સમાવેશ થાય છે.
હિંસાથી પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત
મણિપુરના ચૂડાચાંદપુરમાં વડા પ્રધાન મોદીએ સ્થળાંતરિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. મણિપુરમાં થયેલી હિંસામાં ચૂડાચાંદપુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું હતું કે હું મણિપુરના લોકોની સ્પિરિટને સલામ કરું છું. અહીંની સંસ્કૃતિમાં અપરંપાર શક્તિ છે. વડા પ્રધાન મોદી 13થી 15 સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે.
Speaking at the launch of various development initiatives in Imphal.
https://t.co/k6nt5ydpLM— Narendra Modi (@narendramodi) September 13, 2025
રાજ્યને રૂ. 7300 કરોડની યોજનાઓની ભેટ
શનિવારે ચૂડાચાંદપુરમાં મોદીએ રૂ. 7300 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં સૌથી મોટી યોજના રૂ. 3,647 કરોડની મણિપુર શહેરી માર્ગ, ડ્રેનેજ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સુધાર યોજના છે. એ ઉપરાંત વડા પ્રધાને રૂ. 550 કરોડની મણિપુર ઇન્ફોટેક ડેવલપમેન્ટ (MIND) યોજના જાહેર કરી છે. એ સાથે જ રૂ. 142 કરોડથી નવ વર્કિંગ વુમન હોસ્ટેલ્સ અને રૂ. 105 કરોડમાં સુપર સ્પેશિયાલિટી હેલ્થ સર્વિસ સ્થાપવાની પણ જાહેરાત કરી.
