નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCBએ) ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કર્યો છે. BCBએ ICCને વિનંતી કરી હતી કે તેની ટીમ માટે વેન્યુ બદલી દેવામાં આવે. BCBનું કહેવું છે કે ભારતમાં તેની ટીમના ખેલાડીઓને સુરક્ષા જોખમ હોઈ શકે છે અને તેથી તેઓ ત્યાં રમવા માગતા નથી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
ICCનું સ્પષ્ટ વલણ – રમો નહીં તો બહાર
ICCએ BCBને જણાવ્યું છે કે તે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે કે નહીં તેનો અંતિમ નિર્ણય 21 જાન્યુઆરી સુધી લઈ લે. એટલે કે ICCએ BCBને 21 જાન્યુઆરી સુધીની સમયમર્યાદા આપી છે. શનિવારે, 17 જાન્યુઆરી 2026એ ICCના એક પ્રતિનિધિમંડળે ઢાકામાં BCBના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ICCએ BCBને આ ડેડલાઈન આપી હતી. અહેવાલ અનુસાર BCB ભારતમાં T20 વર્લ્ડ કપ ન રમવાના પોતાના વલણ પર અડગ રહ્યું છે. ICCએ BCBને સ્પષ્ટ કહ્યું છે કે જો 21 જાન્યુઆરી સુધી બાંગ્લાદેશની ભાગીદારીની પુષ્ટિ નહીં થાય, તો તે T20 વર્લ્ડ કપ માટે બદલી (રિપ્લેસમેન્ટ) ટીમનું નામ જાહેર કરશે, જેમાં સ્કોટલેન્ડ સૌથી આગળ છે.
ICCએ આયર્લેન્ડ સાથે ગ્રુપ બદલવાની BCBની માગ પણ ફગાવી દીધી છે. એ સાથે જ ICCએ BCBને આશ્વાસન આપ્યું છે કે ભારતમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે સુરક્ષા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ICCએ પોતાનું વલણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે. હવે નિર્ણય BCBના હાથમાં છે. જો BCB ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો નિર્ણય કરે છે, તો તેને ભારે નુકસાન થઈ શકે છે. ICC તરફથી તેના પર પ્રતિબંધાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ હવે જવાબદારી BCB પર નાખી છે.





