નવી દિલ્હીઃ દિલ્હીની એર ક્વોલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 440 સુધી પહોંચી ગયો, જે છેલ્લાં બે વર્ષમાં આ મહીનાનો સૌથી ઊંચો આંક છે. રાજધાનીમાં છેલ્લે 29 ડિસેમ્બર 2025એ હવા આટલી ખરાબ હતી, ત્યારે AQI 401 નોંધાયો હતો.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર એર ક્વોલિટી ખરાબ થવાનું મુખ્ય કારણ શાંત પવન, ગાઢ ધુમ્મસ અને સ્થાનિક પ્રદૂષણ છે. એ સાથે જ ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ અને બુલંદશહેર જેવા પડોશી જિલ્લાઓમાંથી આવતું વધુ પ્રદૂષણ પણ જવાબદાર છે.
AQIમાં થોડો સુધારો થવાની શક્યતા
સોમવારે AQIમાં થોડો સુધારો થઈને તે ‘ખૂબ ખરાબ’ કેટેગરીમાં આવે એવી શક્યતા છે અને મંગળવારે પણ આ જ રેન્જમાં રહેવાની શક્યતા છે. જોકે લાંબા ગાળે સુધારાના માટે સિસ્ટમેટિક રીતે ઉત્સર્જનમાં ઘટાડો લાવવો જરૂરી છે. AQIના વર્ગીકરણ મુજબ, 0થી 50 ‘સારું’, 51થી 100 ‘સંતોષજનક’, 101થી 200 ‘મધ્યમ’, 201થી 300 ‘ખરાબ’, 301થી 400 ‘ખૂબ ખરાબ’ અને 401થી 500 ‘ગંભીર’ ગણાય છે.
સ્ટેજ-IV GRAP લાગુ
કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ શનિવારે દિલ્હી અને નેશનલ કેપિટલ રીજન (NCR)માં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ સ્ટેજ-IVનાં પગલાં ફરીથી લાગુ કર્યા છે. CAQMના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે હવાની ગુણવત્તાના હાલના ટ્રેન્ડ અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને તેમ જ વિસ્તારમાં હવા વધુ ખરાબ ન થાય તે માટે, GRAP પર CAQMની સબ-કમિટીએ સર્વસંમતિથી હાલના GRAPના સ્ટેજ-IV — ‘ખૂબ ખરાબ+’ હવા ગુણવત્તા (દિલ્હી AQI > 450) હેઠળ દર્શાવાયેલા તમામ પગલાં તરત જ NCRમાં અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ એક પ્રોએક્ટિવ પગલું છે. આ પગલાં GRAPના સ્ટેજ I, II અને III હેઠળ પહેલેથી જ લાગુ પગલાં ઉપરાંત છે.
ફ્લાઇટ્સમાં વિક્ષેપ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જેને કારણે વહેલી સવારે સફદરજંગમાં વિઝિબિલિટી શૂન્ય અને પાલમમાં માત્ર 100 મીટર સુધી ઘટી ગઈ હતી. જેથી 500થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી, નવા પશ્ચિમી વિક્ષોભના કારણે બહુ હળવો વરસાદ પણ પડી શકે છે.




