વિમાન દુર્ઘટનાઃ DGCAએ ત્રણ કર્મચારીઓની કરી હકાલપટ્ટી

 અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ડિરેક્ટર જનરલ ઓફ એવિયેશને (DGCAએ) એર ઈન્ડિયાને કહ્યું હતું કે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનને કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે છે. આ આદેશ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં 270થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

કયા-કયા અધિકારીઓ સામે કાર્યવાહી?

ડિરેક્ટર જનરલ ઓફ એવિયેશને (DGCAએ) એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું હતું અને ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક પદેથી હકાલપટ્ટી કરવાનો આદેશ આપ્યો હતો. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અધિકારીઓની સામે કાર્યવાહી થવાની છે એમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિંકી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. DGCAએ સ્પષ્ટતા કરી હતી કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે. 16-17 મેની ઉડાન અંગે DGCA દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ અધિકારીઓને હાંકી કાઢવા માટે 10 દિવસનો સમય અપાયો છે. આ સાથે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કહેવાયું છે.

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોનાં મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચી હતી. આ ઉપરાંત ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ માટે DNA મેચિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલમાંથી 202 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે.