ભારત સામેના બહિષ્કારના વલણ પર પાકિસ્તાનનો ‘U-ટર્ન લેશે?

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં થનારા T20 વર્લ્ડ કપમાં ભારત સામેના મેચના બહિષ્કારના નિર્ણય પર ફરી વિચાર કરવા અંગે શ્રીલંકાના અનુરોધને ધ્યાનમાં રાખીને પોતાની સરકાર સાથે ફરી સલાહ-મસલત કરે તેવી શક્યતા છે. પાકિસ્તાન સરકારે PCBને નેશનલ ટીમને T20 વર્લ્ડ કપમાં મોકલવાની મંજૂરી આપી છે, પરંતુ ભારત સામે રમવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ ICC અને તેના બ્રોડકાસ્ટર્સ માટે વ્યાપારી રીતે સૌથી મોટો મુકાબલો માનવામાં આવે છે.

આ કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે PCBને એક ઈમેલ મોકલી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 15 ફેબ્રુઆરીએ આ કટ્ટર પ્રતિસ્પર્ધીઓ વચ્ચેનો મોટો મુકાબલો ન થવાથી SLCને આર્થિક નુકસાન થશે અને સાથે-સાથે આ ટાપુ દેશની ટુર્નામેન્ટ આયોજન ક્ષમતા અને છબી પર પણ નકારાત્મક અસર પડશે. શ્રીલંકા ભારત સાથે મળીને આ મોટી ઇવેન્ટનું સહ-આયોજન કરી રહ્યો છે. પાકિસ્તાન પોતાની બધા મેચ કોલંબો અને પલ્લેકેલેમાં રમી રહ્યું છે, જેની શરૂઆત શનિવારે નેધરલેન્ડ્સ સામેના મેચથી થઈ છે.

ઘટનાક્રમની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે પાકિસ્તાનના શ્રીલંકા સાથે સરકાર-સ્તર અને ક્રિકેટ-સ્તરે હંમેશાં ખૂબ નજીક અને મિત્રતાપૂર્ણ સંબંધ રહ્યા છે. તેથી તેમના બોર્ડનો ઈમેલ અવગણવો સરળ નથી.

શ્રીલંકા બોર્ડના પ્રમુખ શમી સિલ્વાએ સીધો મોહસિન નકવી સાથે સંપર્ક કર્યો છે અને યાદ અપાવ્યું છે કે આ સમયે શ્રીલંકાને પાકિસ્તાનની મદદની જરૂર છે, કારણ કે ભારત-પાકિસ્તાન મેચ વગર શ્રીલંકા બોર્ડને ગેટ મની, હોસ્પિટાલિટી સેલ્સ વગેરેમાંથી મળતા વધારાની આવકમાં નુકસાન થશે. નકવીએ પોતાના સમકક્ષ શમી સિલ્વાને ખાતરી આપી છે કે તેઓ સરકાર સાથે ચર્ચા કરશે અને પછી જવાબ આપશે. મિડિયા રિપોર્ટ્સમાં જે દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને શ્રીલંકાની વિનંતીને પણ નકારી દીધી છે, તે સાચી નથી.

PCB ચેરમેન મોહસિન નકવી ગઈકાલથી દેશમાં નથી અને આજે પરત ફરવાના છે. તેઓ ભારત સામેના મેચના બહિષ્કારને સમાપ્ત કરવાને મુદ્દે વડા પ્રધાનને ઈમેલ બતાવશે અને સોમવાર સુધીમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે, એમ સૂત્રએ વધુમાં જણાવ્યું છે.