“અસીમ મુનીરે ગઝવા-એ-હિંદનો નારા આપ્યો હતો,” જૈશ કમાન્ડરની કબૂલાત

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં ફરી એકવાર આતંકી સંગઠનોને ખુલ્લી છૂટ મળતી હોવાની ચર્ચા તેજ બની છે. રાવલાકોટના સપ્લાય બજાર ચોક ખાતે યોજાયેલા એક ખુલ્લા આતંકી મજમાએ પાકિસ્તાનના દાવાઓને ફરી શંકાના ઘેરામાં મૂક્યા છે. ભારે હથિયારો સાથે એકત્ર થયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે સંગઠનના ટોપ કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરી ઉર્ફે અબૂ મોહમ્મદે ભડકાઉ ભાષણ આપીને ભારત અને સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા ફેલાવવાના ઇરાદા ફરી સ્પષ્ટ કર્યા.

આ જાહેર મંચ પરથી બોલતાં અબૂ મોહમ્મદે દાવો કર્યો કે જૈશ-એ-મોહમ્મદની ઓળખ જ જિહાદ અને હિંસા સાથે જોડાયેલી છે અને તે ઓળખ કોઈપણ પરિસ્થિતિમાં બદલાશે નહીં. તેણે કહ્યું કે પાકિસ્તાનની સરકાર મદદ કરે કે ન કરે, જૈશ પોતાનો માર્ગ ચાલુ રાખશે. આ નિવેદનને વિશ્લેષકો પાકિસ્તાનમાં આતંકી નેટવર્ક્સને મળતી પરોક્ષ સુરક્ષા અને સહાનુભૂતિનો ખુલ્લો પુરાવો ગણાવી રહ્યા છે.

આ મજમામાં સૌથી ચોંકાવનારો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે જૈશના આ ટોચના કમાન્ડરે પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરના નામનો ઉલ્લેખ કર્યો. અબૂ મોહમ્મદના કહેવા પ્રમાણે, ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે થયેલી તણાવપૂર્ણ સ્થિતિને આસિમ મુનીરે ‘ગઝવા-એ-હિંદ’ તરીકે રજૂ કરી હતી. આ નિવેદનથી પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ અને કટ્ટરપંથી વિચારધારાની નજીકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

જૈશ કમાન્ડરે વધુમાં જણાવ્યું કે ભારત દ્વારા જૈશના ઠેકાણાઓ પર હુમલા થયા બાદ આસિમ મુનીરે ભારત સામે ગઝવા-એ-હિંદની વાત કરીને આતંકીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રકારની ભાષા માત્ર ધાર્મિક ઉશ્કેરણી જ નહીં, પરંતુ સરહદ પાર આતંકવાદને વૈચારિક આધાર પૂરો પાડે છે, એવું નિષ્ણાતો માને છે.

આ જ અબૂ મોહમ્મદ અગાઉ પણ ચર્ચામાં રહ્યો હતો, જ્યારે તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલી ભારે નુકસાનની વિગતો જાહેર કરી હતી. તેણે સૌપ્રથમ ખુલાસો કર્યો હતો કે 6-7 મેની રાત્રે ભારતની કાર્યવાહી દરમિયાન બહાવલપુરમાં જૈશ પ્રમુખ મૌલાના મસૂદ અઝહરના પરિવારના સભ્યો માર્યા ગયા હતા. તે ખુલાસાએ ત્યારે પાકિસ્તાનના સત્તાવાર દાવાઓને ખોટા સાબિત કર્યા હતા અને આતંકી સંગઠનના આંતરિક નુકસાનની હકીકત બહાર લાવી હતી.