ઈરાનને સમર્થન આપતા દેશો પર ટ્રમ્પ આકરાપાણીએ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતી રાજકીય અને કૂટનીતિક ખેંચતાણ હવે વૈશ્વિક વેપાર પર વધુ અસર પાડતી જોવા મળી રહી છે. આ તણાવની કડીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક નવો અને કડક કાર્યકારી આદેશ બહાર પાડ્યો છે, જેના અંતર્ગત ઈરાન સાથે વેપાર કરનારા દેશો સામે વધારાના ટેરિફ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને ટ્રંપ પ્રશાસનની ઈરાન પર દબાણ વધારવાની વ્યાપક વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

નવા આદેશ મુજબ જો કોઈ દેશ ઈરાન પાસેથી તેલ, ગેસ અથવા અન્ય કોઈ પણ પ્રકારનો માલ અને સેવાઓ ખરીદે છે, તો તે દેશમાંથી અમેરિકા આયાત થતા ઉત્પાદનો પર 25 ટકા સુધીનો ટેરિફ લાદી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આ પગલું અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. ટ્રંપ સરકારનું માનવું છે કે ઈરાન પોતાની નીતિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે.

અમેરિકન પ્રશાસન સતત આરોપ લગાવતું રહ્યું છે કે ઈરાન આતંકવાદી સંગઠનોને સમર્થન આપે છે, બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને આગળ ધપાવે છે અને પરમાણુ ક્ષમતા મેળવવાની દિશામાં પ્રયત્નશીલ છે. ટ્રંપ સરકારનું માનવું છે કે આર્થિક દબાણ વધારવાથી ઈરાનને પોતાની નીતિઓ બદલવા માટે મજબૂર કરી શકાય. આ કારણે અગાઉ પણ અમેરિકા ઈરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો અને વેપારી નિયંત્રણો લાદી ચૂક્યું છે.