પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ 16,000 પોઇન્ટનો કડાકો

નવી દિલ્હીઃ વીકએન્ડ દરમિયાન ઈરાન અને ઇઝરાઇલ-અમેરિકા વચ્ચે શરૂ થયેલી જંગને કારણે મધ્ય-પૂર્વમાં ભૂરાજકીય તણાવ વધી ગયો છે. તેને પરિણામે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE-100 16,000થી વધુ પોઇન્ટ અથવા અંદાજે 10 ટકા સુધી તૂટ્યો હતો બાદમાં તેમાં થોડો સુધારો જોવા મળ્યો. જોકે એક સમયે PSX પર ટ્રેડિંગ પણ રોકવાં પડ્યાં હતાં.KSE-30 ઇન્ડેક્સમાં પણ દિવસ દરમિયાન 9.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. ત્યાર બાદ એક કલાક માટે ટ્રેડિંગ બંધ રાખવામાં આવ્યાં હતાં. ટ્રેડિંગ ફરી શરૂ થયા પછી ઇન્ડેક્સનો ઘટાડો ઘટીને 7.3 ટકા રહ્યો હતો. કડાકો એટલો તેજ હતો કે KSE-30 ઇન્ડેક્સ સર્કિટ લિમિટ પાર કરતાં એક્સચેન્જના નિયમો મુજબ ટ્રેડિંગને તાત્કાલિક રોકવાં પડ્યાં હતાં. અનેક રોકાણકારો માટે આટલી ઝડપી ઘટાડો ચોંકાવનારો હતો. આ વેચવાલીનું મુખ્ય કારણ કંપનીઓના પ્રદર્શન કરતાં વધુ મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષ અને તેના સંભવિત આર્થિક પ્રભાવ અંગેનો ભય હતો.

પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર લાગી, કારણ કે તે સંઘર્ષ વિસ્તારમાં ભૌગોલિક રીતે નજીક છે અને ઊર્જા માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે.

દરેક સેક્ટરમાં વેચવાલી

આ ઘટાડો માત્ર એક કે બે સેક્ટર સુધી મર્યાદિત રહ્યો નહોતો. બજારનાં લગભગ તમામ મુખ્ય ક્ષેત્રોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેંકિંગ ક્ષેત્રની મોટી કંપનીઓ જેમ કે HBL, MCB અને MEBLના શેરોમાં તેજ ઘટાડો થયો હતો. ઊર્જા ક્ષેત્રની કંપનીઓ OGDC, PPL અને POL પણ ઓઇલ બજારમાં અનિશ્ચિતતા વધતાં નીચે સરક્યા હતા. સિમેન્ટ, ફર્ટિલાઇઝર્સ, ઓટોમોબાઇલ એસેમ્બલર્સ અને પાવર કંપનીઓ પણ આ અસરથી બચી શકી નહીં.

જ્યારે બજાર આટલી ઝડપથી તૂટે છે, ત્યારે સામાન્ય રીતે તે કોઈ એક ક્ષેત્રની સમસ્યા નહીં પરંતુ વ્યાપક ગભરાટનો સંકેત આપે છે. આવા સમયે રોકાણકારો જોખમ ઘટાડવા માટે વિવિધ ક્ષેત્રોના શેર વેચીને રોકડ અથવા વધુ સુરક્ષિત સંપત્તિ તરફ વળે છે.

જાન્યુઆરીની ઊંચાઈથી 20 ટકાથી વધુ ઘટાડો

નવી તણાવભરી સ્થિતિને કારણે સોમવારે KSE-30 ઇન્ડેક્સ થોડા સમય માટે બેર માર્કેટ ઝોનમાં પ્રવેશી ગયો હતો. ઇન્ડેક્સ જાન્યુઆરીના ઉચ્ચ સ્તરથી 20 ટકા કરતાં વધુ નીચે આવી ગયો છે. ગયા વર્ષે વધતા રોકાણ અને સ્થિર સરકારને કારણે સ્થાનિક શેરબજારમાં લગભગ 50 ટકા સુધી તેજી જોવા મળી હતી.