પાકિસ્તાની સેનાનો પેરા કમાન્ડો નીકળ્યો નરસંહારમાં સામેલ આતંકવાદી

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશમાં ભારે રોષ છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓ અને તેના આકાઓ પર કડક પગલાં લેવાની માગ કરી રહ્યા છે. પહલગામ હુમલામાં પણ પાકિસ્તાનનો જ હાથ હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાની શાસકો ભલે આમ નથી માની રહ્યા, પરંતુ હવે નાપાક કાવતરાનો મોટો પુરાવો મળી ગયો છે. પહલગામ હુમલામાં સામેલ આતંકવાદી હાશિમ મૂસા પાકિસ્તાનનો પેરા કમાન્ડો નીકળ્યો છે. પહલગામ હુમલામાં પાકિસ્તાની સેના અને ISIના સંડોવણીના પુરાવા મળ્યા છે.

હાશિમ મૂસા પાકિસ્તાની વિશિષ્ટ દળો (SSG)નો ભૂતપૂર્વ પેરા કમાન્ડો છે. આતંકવાદી મૂસા લશ્કર એ તોઈબા સાથે પણ સંકળાયેલો છે. પાકિસ્તાની સેના દ્વારા મૂસાને SSGમાંથી લશ્કર માટે મોકલવામાં આવ્યો હતો. મૂસા પહલગામ પહેલાં બે અન્ય આતંકવાદી હુમલાઓમાં પણ સામેલ રહ્યો છે. તે ગાંદરબલ હુમલામાં પણ સામેલ રહ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની સેનાનો ભૂતપૂર્વ પેરા કમાન્ડો હાશિમ મૂસા સેટેલાઇટ ફોન દ્વારા સૂચનાઓ લઈ રહ્યો હતો.

આ ખુલાસાથી પાકિસ્તાની સેનાના ચીફ અસીમ મુનિરનું પણ ભાંડો ફૂટ્યો છે. પાકિસ્તાનના દરેક જૂઠનો પર્દાફાશ થઈ ગયો છે. પહેલાં પાકિસ્તાની સેના પછી લશ્કરમાં જોડાઈને, મૂસાને જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા કરવા માટે મોકલવામાં આવ્યો હતો. પહલગામમાં જે રીતે બેરહેમીથી નરસંહાર થયો હતો, તે જોઈને કોઈનો પણ આત્મા કંપી ઊઠે એવી સ્થિતિ છે. છતાં પાકિસ્તાનના નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે અને દુનિયા આગળ પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાશિમ મૂસાનો પર્દાફાશ થવાથી પાકિસ્તાનની નાપાક હરકતોનો પુરાવો મળી ગયો છે.