નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફ વહેતા રાવી નદીના વધારાના પાણીને રોકવાની તૈયારી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના જલ સંસાધન મંત્રી જાવેદ અહમદ રાણાએ માહિતી આપી છે કે પંજાબ–જમ્મુ-કાશ્મીર સીમા પર આવેલ શાહપુર કાંડી બંધ હવે તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. આ બંધ બન્યા પછી રાવી નદીનું વધારાનું પાણી પાકિસ્તાન તરફ વહેતા અટકાવી શકાશે. ‘ગ્રેટર કાશ્મીર’ના એક રિપોર્ટ મુજબ તેમણે ખાતરી આપી છે કે આ પ્રોજેક્ટ 31 માર્ચ સુધી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
જમ્મુ-કાશ્મીરમાં 22 એપ્રિલ, 2025એ થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે પડોશી દેશ સામે અનેક આકરા નિર્ણયો લીધા હતા. તેમાં 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય પણ સામેલ હતો.
એ પછી કેન્દ્ર સરકારે જમ્મુ ક્ષેત્રમાં જલવિદ્યુત પ્રોજેક્ટોની ગતિ તેજ કરી છે, જેથી નદીઓના પાણીના પ્રવાહનો યોગ્ય ઉપયોગ થઈ શકે. નોંધનીય છે કે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સિંધુ જળ કરાર મુજબ ભારતને ત્રણ પૂર્વીય નદીઓ—રાવી, બિયાસ અને સતલજના પાણીનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જોકે એપ્રિલ, 2025ના હુમલામાં 26 લોકોનાં મોત થયા બાદ આ કરારને સ્થગિત કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન તરફ જતા રાવી નદીના પાણીને રોકવામાં આવશે
જમ્મુ-કાશ્મીરના જલ સંસાધન મંત્રી રાણાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હા, પાકિસ્તાન તરફ વહેતા રાવી નદીના વધારાના પાણીને રોકવામાં આવશે. તેને રોકવું જ પડશે. કઠુઆ અને સાંબા જિલ્લાઓ સૂકાગ્રસ્ત વિસ્તાર છે. આ પ્રોજેક્ટ અમારી પ્રાથમિકતા છે અને કાંડી વિસ્તાર માટે બનાવવામાં આવી રહ્યો છે.
રાણાએ વધુમાં કહ્યું હતું કે સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં વીજળી અને બંધ પ્રોજેક્ટોની કામગીરી વધુ ઝડપથી આગળ વધી રહી છે.


