આતંકવાદી પાકિસ્તાનથી આવ્યાના કોઈ પુરાવા નથી: પી. ચિદમ્બરમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના એક નિવેદનથી વિવાદ ઊભો થયો છે. પહેલગામ આતંકી હુમલા અંગે તેમણે કહ્યું છે કે હજુ સુધી ક્યાં પુરાવા છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. આ નિવેદન પછી ભાજપે કોંગ્રેસ સામે મોરચો ખોલી દીધો છે.

NIAએ આટલા દિવસોમાં શું કર્યું છે? શું તેમણે આતંકવાદીઓની ઓળખ કરી છે? શું તેમને ખબર પડી ગઈ છે કે તેઓ ક્યાંથી આવ્યા હતા? તે લોકો ‘હોમગ્રોન ટેરરિસ્ટ’ પણ હોઈ શકે છે. તમે આવી પૂર્વગ્રહભરેલી ધારણા પર કેમ ચાલો કે આતંકી પાકિસ્તાનથી જ આવ્યા છે? આ બાબતમાં હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવો નથી મળ્યો, એમ તેમણે કહ્યું હતુંપી. ચિદમ્બરમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર મેરેથોન ચર્ચા શરૂ થવાની છે. એ પહેલાં જ આ વિવાદ ભાજપ માટે મોટો મુદ્દો બની ગયો છે.

ભાજપના નેતા અમિત માલવિયાએ તીવ્ર પ્રહારો કરતાં કહ્યું હતું કે યુપીએ શાસનમાં ગૃહમંત્રી રહ્યા અને ભગવા આતંકવાદની થિયરી ઊભી કરનારા પી. ચિદમ્બરમ ફરી એક વાર ચર્ચામાં આવી ગયા છે. કોંગ્રેસે ફરી પાકિસ્તાનને ક્લીનચિટ આપી દીધી છે, આ વખતે પહેલગામ આતંકી હુમલા બાદ એવું થયું છે. દરેક વખત શા માટે એવું બને છે કે જ્યારે આપણી સેનાએ પાકિસ્તાની આતંકવાદને પડકાર્યો હોય ત્યારે કોંગ્રેસ ઇસ્લામાબાદના વકીલની જેમ ઊભી થાય છે?

આ અગાઉ પણ કેટલાક નેતાઓનાં વિવાદાસ્પદ નિવેદનોએ ભારે બબાલ ઊભી થઈ છે. ત્યારે હવે જ્યારે વિપક્ષ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, ત્યારે ભાજપ ચિદમ્બરમના નિવેદનને આધારે તીખા પ્રશ્નો પૂછશે.