પટનાઃ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન હતો કે તેઓ ક્યારે રાજીનામું આપશે. હવે સૂત્રોના જણાવ્યા મુજબ નીતીશકુમાર આઠ અથવા નવ એપ્રિલે પોતાના પદેથી રાજીનામું આપે એવી શક્યતા છે. ત્યાર બાદ તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. નીતીશના પુત્ર નિશાંત કુમારને રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ રહેશેનીતીશકુમાર 16 માર્ચે રાજ્યસભા માટે ઔપચારિક રીતે ચૂંટાઈ જશે. ત્યાર બાદ રાજ્યમાં નવા મુખ્ય મંત્રીની પસંદગી થશે. નિશાંત કુમાર ઉપ મુખ્ય મંત્રી બનશે. ઉપરાંત JDU ક્વોટાથી એક વધુ ઉપ મુખ્ય મંત્રી પણ રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
વિધાન પરિષદની સભ્યતા પરથી પણ આપશે રાજીનામું
નીતીશકુમાર મુખ્ય મંત્રી પદ સાથે વિધાન પરિષદની સભ્યતા પરથી પણ રાજીનામું આપશે. નોંધનીય છે કે ભાજપ અને નીતીશકુમાર વચ્ચે લાંબી ચર્ચા બાદ નક્કી થયું હતું કે તેઓ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં જશે. ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીનની હાજરીમાં નીતીશકુમારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું હતું.

નિશાંત કુમારને મોટી જવાબદારી
આ પછી નીતીશના પુત્ર નિશાંત કુમારને ઔપચારિક રીતે JDUમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ સતત નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી રહ્યા છે. સીમાંચલમાં પોતાના ભાષણ દરમિયાન નીતીશકુમારે લેસી સિંહ અને વિજય કુમાર ચૌધરી તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે હવે બિહાર તેઓ જ સંભાળશે.




