બિહારમાં નીતીશકુમાર 10મી વખત બનશે CMના લેશે શપથ

પટનાઃ નીતીશકુમાર આજે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ લઈને 10મી વખત બિહારના CM તરીકે વાપસી કરશે. આ જ સ્થળે 1974માં જયપ્રકાશ નારાયણે “સંપૂર્ણ ક્રાંતિ”નું આહ્વાન કર્યું હતું. JDUના સુપ્રીમો નીતીશકુમારે NDA દ્વારા 202 વિધાનસભા વિસ્તારોમાં જીત બાદ બિહારમાં સરકાર બનાવવાનો દાવો ગઈ કાલે રજૂ કર્યો હતો.

તેમણે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને ગઈ કાલે મુખ્ય મંત્રીનું રાજીનામું સોંપ્યું હતું. આ પહેલાં નીતીશકુમારને સર્વસંમતિથી NDA વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પટનાસ્થિત નિવાસસ્થાને થયેલી બેઠકમાં તેઓ JDU વિધાનસભા દળના નેતા તરીકે પણ પસંદ થયા હતા.

આ પ્રસંગે તેમના ડેપ્યુટી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા, લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન અને બિહાર ભાજપાધ્યક્ષ દિલીપ કુમાર જયસ્વાલ હાજર હતા. આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને NDAના અન્ય નેતાઓ હાજર રહેશે. NDA શાસિત રાજ્યોના અનેક મુખ્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં NDAએ ઐતિહાસિક જીત મેળવી હતી — 243માંથી 202 બેઠકો. જ્યારે મહાગઠબંધન માત્ર 35 બેઠકો જીતી શક્યું. 2010માં એનડીએએ 206 બેઠકો જીતી હતી.

NDAમાં ભાજપે 89, JDUએ 85, LJP (રામવિલાસ)એ 19, HAMSએ 5 અને RLMએ 4 બેઠકો જીતી.

નવી કેબિનેટના નવા ચહેરાઓ અંગે ચર્ચા

રાજ્યના મંત્રી મંડળમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવાની સંભાવના છે, જેમાં નીચેના નેતાઓને મંત્રી પદ મળવાની સંભાવના છે.

રામ કૃપાલ યાદવ – ભાજપ

શ્રેયસી સિંહ – ભાજપ

દીપક પ્રકાશ – આરએલએમ

રમા નિષાદ – ભાજપ

સંજય ટાઇગર – ભાજપ

રાજુ તિવારી – લોજપા

નીતીશકુમારનો આ શપથગ્રહણ ઐતિહાસિક છે, કારણ કે તેઓ સતત બિહારમાં પોતાની રાજકીય પકડ મજબૂત રાખી રહ્યા છે. NDAની જીત પછી રાજ્યમાં વિકાસની ગતિ વધવાની આશા વધી છે. લોકોમાં નવી સરકાર પ્રત્યે ઉત્સાહ છે અને નીતીશકુમારના નેતૃત્વમાં બિહારને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.