અમદાવાદ: A.M.A.(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે 12મા જાપાન ફેસ્ટિવલ “નિપ્પોન ઓદોરી”નું આયોજન આગામી 4થી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ જાપાનના ફોલ્ક ડાન્સની થીમ પર કેન્દ્રિત છે. જેનું ઉદ્ઘાટન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ કોજી યાગી દ્રારા કરવામાં આવશે.
ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ
જાન્યુઆરી 2009થી જાપાન, વાઇબ્રન્ટ ગુજરાત સેલિબ્રેશનમાં ગુજરાતનું પ્રથમ કન્ટ્રી પાર્ટનર બન્યું હતું. ત્યારથી ગુજરાત અને જાપાન વચ્ચે શૈક્ષણિક, વ્યાપાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે મિત્રતા, સદ્ભાવના અને સહકારના બંધન વધુ ગાઢ અને મજબૂત બન્યા છે.AMAના જાપાન ફેસ્ટિવલો
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતેના જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ઓફ ગુજરાત (IJFA)એ 2009થી 2024 સુધીના છેલ્લા પંદર વર્ષોમાં સફળતાપૂર્વક અગિયાર જાપાન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ઉત્સવોને અમદાવાદ અને ગુજરાતમાં હજારો જાપાન પ્રેમીઓ તરફથી બહોળી પ્રશંસા, અભૂતપૂર્વ પ્રતિસાદ અને વિશાળ હૃદયથી પ્રશંસા મળી છે. AMAના પાંચ જાપાન કેન્દ્રોએ જાપાનીઝ કલા, સંસ્કૃતિ, મૂલ્યો અને જીવનશૈલીની અર્થપૂર્ણ અને આકર્ષક સમજ પ્રદાન કરી છે. ‘નિપ્પોન ઓદોરી’ અને તેના મુખ્ય આકર્ષણો
નવી દિલ્હી સ્થિત જાપાનની એમ્બેસી દ્રારા ‘જાપાન મંથ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જે ભારતમાં જાપાનના પ્રથમ માનદ કોન્સલની ઓફિસની નિમણૂક અને ઉદઘાટનનાં ભાગરૂપે છે. અમદાવાદ સ્થિત AMA ખાતે આગામી 4 થી 6 ઓક્ટોબર દરમિયાન 12મા જાપાન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાપાન ફેસ્ટિવલ લોકપ્રિય ગુજરાતી નવરાત્રિના ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન આવે છે. તેથી, આ ફેસ્ટિવલને “નિપ્પોન ઓદોરી” (જાપાનીઝ ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલ) તરીકે નામ આપવામાં આવ્યું છે.ફોટો-ફિલ્મ પ્રદર્શન
આ ફેસ્ટિવલમાં જાપાનીઝ ડાન્સની ફોટો-ફિલ્મ એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તેની સમૃધ્ધ પરંપરાઓ, વાઇબ્રન્ટ રજૂઆતો અને આકર્ષક પ્રદર્શન જોવા મળશે. ટોકુશિમાનાં ‘આવા ઓદોરી’ના આનંદદાયક લયથી લઈને ક્યોટોના ‘નિહોન બુયો’ પરંપરાગત નૃત્યોની મંત્રમુગ્ધ લાવણ્ય સુધી, દરેક તહેવાર અનન્ય પ્રાદેશિક લાક્ષણિકતાઓ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વને તમે આ પ્રદર્શનમાં જોઈ શકશો.જાપાનના ડાન્સ ફેસ્ટિવલ્સ પરના ફોટો-ફિલ્મ એક્ઝિબિશનનું લોકાર્પણ દ્વારા 12મા જાપાન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ, કોજી યાગી દ્રારા 4 ઓક્ટોબરના રોજ સાંજે 4:00 કલાકે કરવામાં આવશે. આ ઉદઘાટન પ્રસંગે મહેમાન તરીકે નવી દિલ્હી ખાતેના જાપાન એમ્બેસીના શ્રીમતી ક્યોકો હોકુગો અને ભારતમાં ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ પણ જોડાશે.સૌપ્રથમ ઈન્ડો-જાપાનીઝ ફ્યુઝન ડાન્સ પર્ફોર્મન્સ
‘નિપ્પોન ઓદોરી’માં એક નવીન ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સની પ્રસ્તુતિ તરીકે, જાપાન અને ગુજરાતના લોકપ્રિય લોક-નૃત્યો રજૂ કરવામાં આવશે. AMA ખાતેના જાપાન કલ્ચરલ સેન્ટરે ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત, ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સલ, અમદાવાદમાં જાપાનીઝ એસોસિએશન, સ્પંદન ફોલ્ક ડાન્સ એકેડમી અને લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન (સંસ્કારધામ કેમ્પસ)ના સહયોગથી “નિપ્પોન ઓદોરી” ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સનું આયોજન કર્યું છે. આ પર્ફોમન્સ 4 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યાથી થી 7:30 વાગ્યા સુધી રજૂ કરવામાં આવશે.