શું EPS સબસ્ક્રાઇબર્સને મળશે લઘુતમ 7500નું માસિક પેન્શન?

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ આવનારા પેન્શનર્સને લઘુતમ માસિક પેન્શન રૂ. 7500 કરવા સહિતની માગોના સમર્થનમાં 31 જુલાઈએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે લાંબા સમયથી રેગ્યુલર પેન્શન ફંડમાં યોગદાન કરવા છતાં પેન્શનર્સને એટલું ઓછું પેન્શન મળે છે કે તેમનો જીવનનિર્વાહ કરવો પણ મુશ્કેલ બને છે. EPFના લઘુતમ પેન્શનમાંથી મહિનેદહાડે એક લિટર દૂધના પૈસા પણ નથી નીકળતા.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષથી દેશભરના 78 લાખ પેન્શનર્સ મિનિમમ પેન્શન વધારવાની માગ કરી રહ્યા છે, પણ સરકાર અત્યાર સુધી તેમની માગોને મુદ્દે આંખ આડા કાન કરતી આવી છે અને સરકાર તેમની માગને સતત નજરઅંદાજ કરી રહી છે.

EPS એટલે કે એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ-95 હેઠળ આવતા કર્મચારીઓની બેઝિક સેલરીનો 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડ એટલે કે FDમાં જાય છે, જ્યારે કંપનીના 12 ટકા હિસ્સામાંથી 8.33 ટકા EPSમાં જાય છે. આ સિવાય પેન્શન ફંડમાં સરકાર પોતાની તરફથી 1.16 ટકાનું યોગદાન કરે છે.

હાલ પેન્શનર્સને સરેરાશ માત્ર રૂ. 1450 માસિક પેન્શન મળે છે. પેન્શનર્સ મોંઘવારી ભથ્થાની સાથે મૂળ પેન્શન રૂ. 7500 માસિક કરવાની અને પેન્શનર્સના જીવનસાથી (પતિ કે પત્ની)ને મફત આરોગ્યની સુવિધા આપવા સહિતની માગ સરકાર પાસે કરવામાં આવી છે. વડા પ્રધાન, નરેન્દ્ર મોદીથી બે વાર અને નાણાપ્રધાન અને શ્રમપ્રધાન પાસે રજૂઆત કરવામાં આવી છતાં હજી સુધી નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેને પગલે પેન્શનર્સમાં નિરાશા વધી છે. જેથી અમે અમારી સમસ્યા ઉકેલવા માટે રાજકીય પક્ષો પાસે ટેકો માગી રહ્યા છે. અમારો સંઘર્ષ જારી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

સંઘર્ષ સમિતિના રષ્ટ્રીય સચિવ રમેશ બહુગુણાએ કહ્યું હતું કે સમિતિની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક 29-30 જુલાઈએ દિલ્હીમાં થઈ રહી છે. એમાં પેન્શનર્સની માગ પર ચર્ચા છે અને આવતી કાલે પણ થશે. જો માગો પૂરી નહીં થાય તો 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે જંતર-મંતર પર ધરણાં કરવામાં આવશે, જેમાં દેશભરના પેન્શનધારક સામેલ થશે.