નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે 2016ની 8 નવેમ્બરની મધરાતથી દેશભરમાં નોટબંધી લાગુ કરવાનો નિર્ણય વિચારપૂર્વક લેવામાં આવ્યો હતો અને બનાવટી ચલણી નોટો, આતંકવાદી જૂથોનો આર્થિક પુરવઠો, કાળા ધન અને કરચોરી જેવી સમસ્યાઓનો સામનો કરવા માટેની રણનીતિનો એક હિસ્સો હતો. નોટબંધી નિર્ણયમાં સરકારે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી તાત્કાલિક રીતે હટાવી દીધી હતી.
નોટબંધી વિરુદ્ધ નોંધાવવામાં આવેલી 58 પીટિશનો પરની સુનાવણી વખતે કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને એક સોગંદનામું રજૂ કરીને કહ્યું કે તે નિર્ણય ભારતીય રિઝર્વ બેન્ક સાથે વિસ્તૃતપણે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો હતો. સરકારે એમ પણ કહ્યું કે નોટબંધીનો નિર્ણય ઉપર જણાવેલી સમસ્યાઓ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ દેશની પરિવર્તનશીલ આર્થિક નીતિઓના ટેકામાં એક મહત્વના પગલા સમાન હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે હવે વધુ સુનાવણી માટે 24 નવેમ્બર તારીખ નક્કી કરી છે.