મુંબઈ-અમદાવાદ વચ્ચે પાટા પર વાડ બાંધવામાં આવશે

મુંબઈઃ ‘વંદે ભારત’ જેવી સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ છે અને એવી વધુ ટ્રેનો સેવામાં ઉતારવામાં આવનાર છે ત્યારે રેલવે બોર્ડે નક્કી કર્યું છે કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની આખી રેલવે લાઈન પર બંને બાજુએ વાડ બાંધીને પાટાઓને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી દેવામાં આવશે. આ કામ એક વર્ષની અંદર પૂરું કરવામાં આવશે. દર છ મહિને 1,000 કિલોમીટરની રેલવે લાઈન ફરતે વાડ બાંધવા માટેની એક નવી ડિઝાઈનને રેલવે બોર્ડે મંજૂરી આપી છે.

મુંબઈ અને ગાંધીનગર (અમદાવાદ) વચ્ચે હાલમાં જ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પરંતુ પાટા પર વારંવાર ઢોર ટ્રેનની હડફેટે આવી જતાં હોય છે. નિર્દોષ ઢોરનાં મરણ થાય છે, ટ્રેનના આગળના ભાગને નુકસાન થાય છે, ટ્રેન થંભાવી દેવી પડતાં સફર વિલંબમાં પડે છે, પ્રવાસીઓ પરેશાન થાય છે. એક બનાવમાં, વંદે ભારત ટ્રેનની હડફેટે આવતાં એક મહિલાનું પણ મૃત્યુ થયું હતું. આવા બનાવોને કારણે સમગ્ર પાટાની ફરતે વાડ બાંધવાની માગણીઓ થઈ છે. એને પગલે જ રેલવે બોર્ડે વાડ બાંધવાનો નિર્ણય લીધો છે.

સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં ગયા ઓક્ટોબરના પહેલા નવ દિવસમાં જ પાટા પર ધસમસતી જતી ટ્રેનો સાથે ઢોર-પશુઓનાં અથડાવાના અસંખ્ય બનાવો બન્યા હતા, જેને કારણે 200 જેટલી ટ્રેનોને માઠી અસર પહોંચી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 4,000 જેટલી ટ્રેનોને માઠી અસર પહોંચી છે.

પરંપરાગત લોખંડના તારની વાડ સમસ્યા ઉકેલી શકે એમ ન હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની સમગ્ર રેલવે લાઈન ફરતે આવતા પાંચ-છ મહિનામાં પ્રીફેબ્રિકેટેડ દીવાલ બાંધવામાં આવશે. એને કારણે ઢોર કે પશુઓ પાટા પર આવી નહીં શકે. નવી ડિઝાઈનથી વાડ બાંધવામાં ઓછો સમય લાગશે અને તે રીપેર કરવી પણ આસાન બની રહેશે.