પાર્ટી કહે તો પ્રિયંકા ગાંધી વારાણસીમાંથી પણ ચૂંટણી લડવા તૈયાર છે

રાયબરેલી (ઉત્તર પ્રદેશ) – આગામી લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં પોતાની સંભવિત ટક્કર વિશે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ એક મજાક કરી દીધી છે. પાર્ટીના કાર્યકર્તાઓએ જ્યારે પ્રિયંકાને રાયબરેલીમાંથી ચૂંટણી લડવાની વિનંતી કરી ત્યારે એમણે કહ્યું, વારાણસીમાંથી કેમ નહીં?

રાયબરેલી એ પ્રિયંકાનાં માતા સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે.

પ્રિયંકા ગાંધી ગઈ કાલે રાયબરેલીમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓને મળ્યાં હતાં. પ્રિયંકાએ જ્યારે કાર્યકર્તાઓને એમ કહ્યું કે હું અહીંના કાર્યકર્તાઓને મળી શકતી નથી એટલે મારા માતાને અફસોસ રહે છે, ત્યારે કાર્યકર્તાઓએ તેમને એમ કહ્યું હતું કે તો તમે જ રાયબરેલીમાંથી ચૂંટણી લડોને.

એના જવાબમાં પ્રિયંકાએ હસતાં હસતાં સામો સવાલ કર્યો હતો, ‘વારાણસી કેમ નહીં?’

પ્રિયંકાને કોંગ્રેસ પાર્ટીએ પૂર્વીય ઉત્તર પ્રદેશનો ચાર્જ સોંપ્યો છે.

પ્રિયંકાએ કાર્યકર્તાઓને કહ્યું કે, મેં મારી માતાને કહ્યું કે તમે ચિંતા નહીં કરો, તમારાં મતવિસ્તારના કામકાજ પર હું ધ્યાન રાખીશ.

47 વર્ષીય પ્રિયંકાએ બે દિવસ પહેલાં જ અમેઠીમાં કહ્યું હતું કે પાર્ટી ઈચ્છશે તો હું જરૂર ચૂંટણી લડીશ.

પ્રિયંકા ગયા જાન્યુઆરીમાં સક્રિય રાજકારણમાં સામેલ થયાં હતાં.

ઉત્તર પ્રદેશમાં તમામ સાત રાઉન્ડમાં (11 એપ્રિલથી 19 મે) લોકસભાની ચૂંટણી યોજાવાની છે. મતગણતરી અને પરિણામ માટે 23 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.