72 હજારનું વચન ગેમચેન્જર સાબિત થઈ શકે છે: પોલ એક્સપર્ટ

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ દેશના ગરીબ પરિવારોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની જાહેરાતે દેશમાં ખૂબ ચર્ચા જગાવી છે. કોંગ્રેસના આ ચૂંટણી વાયદાથી પાર્ટીને લોકસભા ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે અંગે CNX અને C voter ના સંસ્થાપકોએ તેમના મંતવ્યો રજૂ કર્યાં છે.લોકસભા ચૂંટણી પ્રચાર ઝૂંબેશે જોર પકડતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય રાજકીય પક્ષો મતદાતાઓને આકર્ષવા માટે એકથી એક વચનો આપી રહ્યાં છે.

તાજેતરમાં જ રાહુલ ગાંધીએ સત્તા પર આવવા માટે ગરીબ પરિવારોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના આ ચૂંટણી વાયદાને ખુબજ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે, કોંગ્રેસને આનો ફાયદો ચૂંટણીમાં ચોક્કસ મળી શકે છે.

જોકે, આ ચૂંટણી વાયદા કોંગ્રેસ માટે કેટલી હદ સુધી કામ કરશે એ મુદ્દે તસવીર સ્પષ્ટ નથી થઈ. જાણકારો માને છે કે, રાષ્ટ્રવાદની લહેર પર સવાર ભાજપને પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક સહિતના મુદ્દાઓનો ફાયદો મળી શકે છે.

કોંગ્રેસના આ વચન અંગે દેશની સૌથી મોટી પોલિંગ કંપનીમાંથી એક સીએનએક્સના સંસ્થાપક ભાવેશ ઝાનું કહેવું છે કે, રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશ જેવા અપેક્ષાકૃત ગરીબ અને મોટી જનસંખ્યા ધરાવતા રાજ્યોના મતદાતાઓ કોંગ્રેસના આ વચનથી પ્રભાવિત થઈ શકે છે. કોંગ્રેસે હાલમાં જ આ રાજ્યોમાં જીત પણ મેળવી છે.

ભાવેશ ઝા એ વધુમાં કહ્યું કે, જો માત્ર 4થી 5 ટકા મતદાતાઓ પણ કોંગ્રેસના પક્ષમાં ગયા તો પણ ભાજપ માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જેથી કોંગ્રેસને એવા રાજ્યોમાં ફાયદો મળશે જ્યાં ભાજપ સાથે તેમની સીધી હરીફાઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે, રાહુલનુ આ વચન એક ગેમચેન્જર સાબિત થઈ શકે છે. કોંગ્રેસના વોટ શેરમાં ચોક્કસ વધારો થશે, પરંતુ હાલના સ્તરે એવું કહેવું મુશ્કેલ છે કે, કેટલી સીટો કોંગ્રેસના ખાતામાં આવશે. ખેડૂતોની ઘટતી જતી આવક અને રોજગારી જેવા મુદ્દાઓએ ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે.

પોલિંગ એજન્સી સી વોટરના સંસ્થાપક યશવંત દેશમુખે કોંગ્રેસની આ જાહેરાતને પરફેક્ટ ડિસ્ટ્રપ્ટર ગણાવી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે મતદાતાઓને એવો વિશ્વાસ અપાવવો પડશે કે, જો તે સત્તા પર આવશે તેમની આ યોજના લાગુ કરશે.

મહત્વનું છે કે, ચાલુ મહિને જ સીએનએક્સ તરફથી એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ભાજપને આ ચૂંટણીમાં 238 સીટો મળશે. તો બીજી તરફ કોંગ્રેસની આ જાહેરાત પહેલા સી વોટર ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યું હતું કે, ભાજપ અને તેમના સહયોગી પક્ષોને 261 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસને 143 બેઠકો મળવાની વાત કહેવામાં આવી હતી.