દેશની પબ્લિક સેક્ટર બેન્કોને રાજકારણીઓથી કોણ બચાવશે?

પીએસબીને સ્વતંત્ર અખત્યાર નહિ અપાય ત્યાં સુધી તેમની
કામગીરી સુધરવાની નથી


ચેન્નાઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના તામિલ નાડુ એકમની વેબસાઈટ (http://bjptn.com) પર જણાવવામાં આવ્યું છે કે પક્ષના એકમને સરકારની વિવિધ સ્કીમ હેઠળ લોનની 23,524 અરજીઓ મળી છે અને તેમાંથી 57 અરજીઓના મળીને રૂ.42 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ સંદેશ પાર્ટીના અન્ય રાજ્યોના એકમોને મોકલવામાં આવ્યો છે એટલે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

રાજકીય પક્ષે બેન્કોના કામકાજમાં દરમિયાનગીરી કરવાની શી જરૂર? પબ્લિક સેક્ટર બેન્ક્સ (PSB)ને કંઈ મતો પ્રાપ્ત કરવાનું સાધન ન બનાવાય.

તામિલ નાડુ બીજેપીએ દલીલ કરી છે કે તે લોકોને લોન પ્રાપ્ત કરવામાં સહાય કરી રહી છે ત્યારે સામો એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે લોકોને લોન્સ જોઈએ તો તેઓ કોઈ પણ રીતે બેન્કનો સંપર્ક કરી મેળવી શકે છે, એમાં વચેટિયાઓની શી જરૂર.

એ ચોખ્ખું છે કે શાસક પક્ષ લોન માટે બેન્કનો સંપર્ક કરે ત્યારે બેન્ક કર્મચારીઓ પર કોઈ નેતાની ભલામણનો સ્વીકાર કરવા માટેનું દબાણ ઊભું થાય છે. આ ભલામણ ગર્ભીત ધમકી સમજી લેવાની હોય છે એમ એક સિનિયર બેન્ક અધિકારીએ કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે આવા દબાણને પગલે મુદ્રા લોનો આડેધડ મંજૂર કરવામાં આવી હતી.

બેન્કો કર્જદારની પરત ચુકવણીની ક્ષમતાના અભ્યાસ બાદ લોન મંજૂર કરતી હોય પરંતુ કોઈ કોઈ કિસ્સામાં એમ બનતું નથી અને એમાં વળી રાજકારણીઓનો હસ્તક્ષેપ થાય એથી પરિસ્થિતિ વધુ વણસે છે.

બેન્કોના રાષ્ટ્રીયકરણ પછીના લાંબા ગાળામાં PSBના કર્મચારીઓમાં જે ગુલામીનું માનસ સર્જાયેલું છે તે હજી પણ યથાવત છે. આજે પણ બેન્કોમાં સામંતી માળખું હોય એમ કામ થાય છે અને સિનિયરો એમના સાહેબોને ખુશ રાખે છે અને એનું જ અનુકરણ તેમના જુનિયરો કરે છે. PSBના વડાઓ પર નોર્થ બ્લોકના બાબુઓનો અંકુશ છે. વ્યાવસાયિક કૌશલની અહીં કોઈને પડી નથી હોતી. UPA સરકાર દરમિયાન રાજકારણીઓની દખલ બહુ હતી પરંતુ NDAના રાજમાં પણ પરિસ્થિતિમાં બહુ ફરક પડ્યો નથી.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રૂ.20 લાખ કરોડના કોવિદ-19 પેકેજ હેઠળ જાહેર કરેલી રૂ.3 લાખ કરોડની ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ (ECLGS) હેઠળ વધુને વધુ લોનો MSMEને આપવા માટે સરકારી બેન્કોનાં કાંડાં આમળવામાં આવી રહ્યાં છે. હકીકત એ છે કે માગના અભાવે MSME લોનો લેવા માટે આગળ આવતાં નથી. એમને લોન લેવા સમજાવવાનું સરકારી બેન્કોના કર્મચારીઓ માટે મુશ્કેલ બની ગયું છે. કેટલાક બેન્કરો કહે છે કે અમને આ સ્કીમના મોટા લક્ષ્યાંક હાંસલ કરવાનું કહેવામાં આવ્યું છે.

બીજી તરફ કેટલીક બેન્કોએ સરળ રસ્તો શોધી એ કાઢ્યો છે કે તેઓ આ નવી લોન સામે જૂની લોન સરભર કરી આપે છે. સરકારની ગેરન્ટી છે એટલે બેન્કો આમ કરવાની લાલચ રોકી શકતી નથી. આ નાણાં MSMEને કટોકટીમાંથી ઉગારવા આપવામાં આવી રહ્યાં છે એ હેતુ માટે જ આ નાણાં વાપરવામાં આવશે કે કેમ એ સવાલ છે.

અંતે, વર્તમાન કર્જદાર તેની 29 ફેબ્રુઆરી, 2020ના રોજ બાકી રહેલી ઉઘરાણીના 20 ટકા સુધીનો ઉપાડ કરી શકે છે. બેન્કોએ એમએસએમઈ માટે રૂ.1.3 લાખ કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી રૂ.82,065 કરોડની ચુકવણી કરવામાં આવી છે.