કોરોનાના કેસોની સંખ્યા 20 લાખને પારઃ 21 દિવસમાં 10 લાખ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 62,538 નવા કેસ સામે આવ્યા છે અને 886 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 20,27,075 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 41,585 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 13,78,384 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,07,384એ પહોંચી છે. રિકવરી રેટ 67.62 ટકાએ પહોંચ્યો છે. 

કુલ કેસોના 38 ટકા કેસો પાંચ રાજ્યોમાંથી

હાલમાં ભારતમાં કોરોનાના અંદાજે 20 લાખ કેસ છે. આમાંથી પાછલા 21 દિવસમાં 10 લાખ કેસો નોંધાયા છે.  જોકે ભારતમાં કુલ કેસના 38 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી જ આવ્યા છે. જેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અને બિહાર સામેલ છે. 16 જુલાઈ સુધી જ્યારે દેશમાં કોરોનાના 10 લાખ કેસ હતા ત્યારે આ રાજ્યોમાંથી 19 ટકા કેસ સામે આવ્યા હતા.

વિશ્વમાં કોરોનાના દૈનિક ધોરણે બે લાખથી વધુ કેસ

વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.71 લાખ નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1,92,37000થી વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. વિશ્વમાં હાલમાં 61,75,000થી વધુ સક્રિય કેસો છે. પાછલા 24 કલાકમાં 6240 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.