કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિતીનપ્રસાદ કોણ છે?

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ કારોબારી સમિતિના સભ્ય જિતીન પ્રસાદ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધીયા બાદ છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જિતીન પ્રસાદ કોંગ્રેસના બીજા ધરખમ નેતા છે. પ્રસાદે આજે દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના હસ્તે ભાજપનો કેસરી સાફો સ્વીકાર્યો હતો. એમણે કહ્યું કે, ‘તમે તમારા લોકોના હિતોનું રક્ષણ કરી ન શકો કે એમને માટે કામ ન કરી શકો તો એવી પાર્ટીમાં રહેવાનો કોઈ મતલબ નથી. હું કોંગ્રેસમાં કંઈ કરી શકતો નહોતો. આટલા વર્ષો સુધી મને સંભાળવા બદલ કોંગ્રેસમાંના લોકોનો હું આભાર માનું છું, પણ હવે હું ભાજપના સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરીશ.’

જિતીન પ્રસાદ એક સમયે રાહુલ ગાંધીના વિશ્વાસુ ગણાતા હતા. એમના પિતા જિતેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના ભૂતપૂર્વ ઉપપ્રમુખ હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાનો સ્વ. રાજીવ ગાંધી તથા સ્વ. પી.વી. નરસિંહરાવના રાજકીય સલાહકાર હતા. તો એમના દાદા જ્યોતિ પ્રસાદ વિધાનસભ્ય હતા. જિતીન પ્રસાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકોમ થયા હતા. ત્યારબાદ દિલ્હીની IMIમાંથી MBA ડિગ્રી હાંસલ કરી હતી. 2001માં એમણે ભારતીય યુવા કોંગ્રેસના મહામંત્રી બનીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 2004માં, એ ઉત્તર પ્રદેશમાં એમના વતન મતવિસ્તાર શાહજહાંપુરમાંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2009ની લોકસભા ચૂંટણી એ ધૌરહરા બેઠક પરથી જીત્યા હતા. પરંતુ 2014 અને 2019ની ચૂંટણીમાં એ ભાજપનાં રેખા વર્મા સામે હારી ગયા હતા. જિતીન પ્રસાદે યૂપીએ સરકારમાં માનવ સંસાધન વિકાસ રાજ્યકક્ષાના પ્રધાન, રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવેના રાજ્યકક્ષા પ્રધાન, પેટ્રોલિયમ અને કુદરતી વાયુના રાજ્યકક્ષા પ્રધાન અને સ્ટીલ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કામ કર્યું હતું.