અમે આદિવાસી છીએ, હિન્દુ નથીઃ કોંગ્રેસ નેતાના નિવેદનથી વિવાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. વિપક્ષના નેતા ઉમંગ સિન્ઘારે કહ્યું છે કે હું ગર્વથી કહું છું કે અમે આદિવાસી છીએ, હિન્દુ નથી. આ વાત હું વર્ષોથી કહેતો આવ્યો છું. છિંદવાડામાં આદિવાસી વિકાસ પરિષદની બેઠક અને રાષ્ટ્રીય કરમદાર પૂજા કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં બોલતાં કોંગ્રેસ નેતાએ ભાજપ અને આરએસએસ પર આદિવાસી સમુદાયો પર હિન્દુ ઓળખ થોપવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો.

સિન્ઘારે આદિવાસી સમાજની ઓળખને રેખાંકિત કરતાં પૌરાણિક કથા ઉલ્લેખી હતી. તેમણે કહ્યું હતું કે શબરી, જેમણે ભગવાન રામને જૂઠા બોર ખવડાવ્યા હતા, તેઓ પણ આદિવાસી હતા. જે આદિકાળથી આ ધરતી પર વસે છે, તે જ આદિવાસી છે. તેમણે ઉમેર્યું હતું કે આદિવાસી સમાજે પોતાની ઓળખ સ્થાપિત કરવાની જરૂર છે અને કોઈ પણ સરકારે તેમના માન-સન્માનની રક્ષા કરવી પડશે.

કોંગ્રેસ નેતાના આ નિવેદન પછી મધ્ય પ્રદેશમાં ફરી એક વાર ધર્મનું રાજકારણ તેજ થઈ ગયું છે. હવે CM મોહન યાદવે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમને કોંગ્રેસની વિચારો પર શરમ આવે છે. તેમણે CM કાર્યાલયમાંથી એક વિડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે ઉમંગ સિન્ઘાર અને કોંગ્રેસને માફી માગવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે મોટા દુર્ભાગ્ય સાથે કહેવું પડે છે કે કોંગ્રેસ હંમેશાં હિન્દુ અને હિન્દુત્વના વિરોધમાં જ કામ કરે છે. રાહુલ ગાંધીએ હિન્દુત્વની મજાક બનાવી. તેમણે ધર્મ વિશે જે રીતે વાત કરી તે તેમનું બાળકપણું હતું. આ જ પરંપરામાં સ્ટાલિનથી લઈને રેવંતી રેડ્ડી સુધીના નેતાઓ સનાતન ધર્મને ‘મચ્છર’ અને ‘ડેગુ’ કહેતા આવ્યા છે.