15-18 વયનાં બાળકોને માત્ર ‘કોવેક્સિન’-રસી જ અપાશે

નવી દિલ્હીઃ દેશમાં 15-18 વર્ષની વયનાં બાળકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે આ વયજૂથનાં બાળકોને માત્ર કોવેક્સિન રસી જ આપવામાં આવશે. એમનું રસીકરણ કાર્ય આવતી 3 જાન્યુઆરીથી શરૂ કરાશે. રસી લેવા માટે નામ નોંધણી માટેના ડિજિટલ પ્લેટફોર્મ – CoWIN એપના વડા ડો. આર.એસ. શર્માએ કહ્યું છે કે આ બાળકો એમનાં વિદ્યાર્થી ઓળખપત્ર (આઈડેન્ટિટી કાર્ડ)નો ઉપયોગ કરીને CoWIN એપ રસી લેવા માટે એમનું નામ નોંધાવી શકશે.

ડો. શર્માએ કહ્યું કે જે બાળકો પાસે આધાર કાર્ડ નંબર કે અન્ય આઈડેન્ટિટી કાર્ડ ઉપલબ્ધ ન હોય તો તેઓ પોર્ટલ કે એપ પર એમનું નામ નોંધાવવા માટે એમનાં સ્ટુડન્ટ આઈ-કાર્ડનો ઉપયોગ કરી શકશે. અમે રજિસ્ટ્રેશન માટેની યાદીમાં એક વધુ (10મા) કાર્ડનો ઉમેરો કરી દીધો છે, કારણ કે કેટલાક બાળકો પાસે આધાર કે અન્ય આઈ-કાર્ડ કદાચ નહીં હોય.