કંગના મુંબઈ પાછી ફરીઃ ઠાકરેને તૂંકારે-આક્રમક શૈલીમાં સંભળાવ્યું

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શિવસેના પાર્ટીને ફેંકેલા પડકાર મુજબ તેની માતૃભૂમિ મનાલીમાંથી આજે બપોરે તેની કર્મભૂમિ મુંબઈમાં પાછી ફરી હતી.

સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસમાં તપાસ કરનાર મુંબઈ પોલીસની આકરી ટીકા કર્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અને કંગના વચ્ચે મોટી તકરાર ઊભી થઈ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કંગનાને મુંબઈ ન આવવાની ચેતવણી-ધમકી આપી હતી. એ પડકારને ઝીલી લઈને કંગના આજે પાછી ફરી છે.

શિવસેના અને કંગના વચ્ચેની તકરારે આજે મોટા તમાશાનું સ્વરૂપ ધારણ કર્યું છે.

કંગના કેન્દ્રીય અર્ધલશ્કરી દળના કમાન્ડોના કડક સુરક્ષા પહેરા (Y-Plus કેટેગરીની સુરક્ષા) હેઠળ બાન્દ્રા (વેસ્ટ) સ્થિત એનાં ઘેર પહોંચી હતી. ઘેર પહોંચીને તરત જ એણે તેનાં નિવાસસ્થાનમાંની ઓફિસમાં શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ કરેલી તોડકામની કાર્યવાહીનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. એ સાથે જ તેણે એક વિડિયો નિવેદન પણ બહાર પાડ્યું છે. જેમાં તેણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર સીધો અને આકરો પ્રહાર કર્યો છે. વિડિયોની ઉલ્લેખનીય બાબત એ છે કે કંગનાએ ઉદ્ધવને માનવાચક નહીં, પણ તૂંકારે બોલાવ્યા છે. એણે કહ્યું છે, ‘ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ? કે તેં ફિલ્મ માફિયાની સાથે મળીને મારું ઘર તોડીને મારી સાથે મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. યાદ રાખજે.. બધું હંમેશાં એક સરખું રહેતું નથી. અને મને લાગે છે કે તેં મારી પર મોટો ઉપકાર કર્યો છે… મને એ તો ખબર હતી કે કશ્મીર પંડિતો પર કેવું વીત્યું હશે, આજે મેં મહેસુસ કર્યું છે. અને આજે હું આ દેશને વચન આપું છું કે હું માત્ર અયોધ્યા વિષય પર જ નહીં, પણ કશ્મીર વિશે પણ ફિલ્મ બનાવીશ.. હું દેશવાસીઓને જાગૃત કરીશ. મને હતું જ કે આવું કંઈક થશે તો ખરું… પરંતુ મારી સાથે એ થયું છે એની પાછળ કોઈક મતલબ છે, હેતુ છે… ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા અને આતંક છે, એ મારી સાથે થયું એ સારું થયું… કારણ કે એનો કોઈક હેતુ છે.’

સંબોધનના અંતે કંગનાએ ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર’ કહ્યું હતું.

કંગનાએ જે વિડિયો વિઝ્યૂઅલ્સ શેર કર્યા છે એમાં જોઈ શકાય છે કે એક બુલડોઝર વડે કંગનાના ઓફિસ-મકાન પર તોડકામ કરવામાં આવી રહ્યું છે.

અગાઉ, કંગના એરપોર્ટ પર આવી પહોંચી એ પહેલાંથી જ શિવસેનાના કાર્યકર્તાઓ એનો વિરોધ કરવા એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેઓ કાળા વાવટા-ઝંડા ફરકાવતા હતા અને કંગના વિરુદ્ધ નારા લગાવતા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે કંગનાને એરપોર્ટ પર પાછળની બાજુએથી બહાર લઈ જવામાં આવી હતી.