નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લવ દેબેએ રાજીનામું આપી દીધું છે. હવે ત્રિપુરાના નવા મુખ્ય પ્રધાન ડો. માણિક સાહા બનશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ પહેલાં બિપ્લવ દેબે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને રાજીનામું સોંપી દીધું હતું. તેમણે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્રિપુરામાં કેટલાય ભાજપના વિધાનસભ્યો મુખ્ય પ્રધાનથી નારાજ હતા. જેની માહિતી પાર્ટીના હાઇ કમાન્ડ સુધી પહોંચી હતી. ત્યાર બાદ હાઇ કમાન્ડે બિપ્લવ દેબને રાજીનામું આપવા માટે કહ્યું હતું.
રાજ્યના નવા મુખ્ય પ્રધાનની પસંદગીને લઈને ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. એના માટે સાંજે ભાજપના વિધાનસભ્યોના દળની બેઠક થઈ હતી, જેમાં નવા CMની પસંદગી થઈ હતી. 2018માં બિપ્લબ દેબ રાજ્યના CM બન્યા હતા.
બિપ્લવ દેબે રાજીનામું સોંપ્યા પછી કહ્યું હતું કે વડા પ્રધાન મોદી સાથે મારી વાત થઈ છે. મેં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મને રાજીનામું આપવા કહ્યું તો મેં રાજીનામું આપી દીધું. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. એની તૈયારીમાં લાગી જઈશ. ભાજપના કાર્યકર્તાના રૂપે પાર્ટીને મજબૂત કરવાનું કામ કરતો રહીશ. તેમણે કહ્યું હતું કે અમારી પહેલી પ્રાથમિકતા ભાજપને ફરીથી સત્તામાં લાવવાની છે. અમારી પાસે એક મજબૂત સંગઠન છે. અમે સરકારમાં છીએ અને એ સૌથી મહત્ત્વનું છે.
બિપ્લવ દેબના રાજીનામા સાથે રાજ્યમાં નવા CMના ચહેરાની ચર્ચા તેજ થઈ ગઈ છે. નવા CMની ચર્ચામાં ડો. માણિક સાહા, ઉપ મુખ્ય પ્રધાન જિષ્ણુ દેબ બર્મન અને કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રતિમા ભૌમિકનાં નામ સૌથી વધુ ચર્ચામાં હતાં, પણ આખરે ડો. માણિક સાહાની મુખ્ય પ્રધાન તરીકે સર્વસંમતિ સધાઈ હતી.