કેરળમાં કોરોના વાઈરસનો ત્રીજો પોઝિટીવ કેસ: તમામ જિલ્લાઓમાં એલર્ટ

નવી દિલ્હી: કેરળમાં અગાઉ બે વિદ્યાર્થીઓ પછી હવે વધુ એક વિદ્યાર્થીને કોરોના વાઈરસની અસર થઈ હોવાના અહેવાલને પગલે કેરળ સરકારે આ બિમારીને રાજ્ય આપત્તિ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે રાજ્યના આરોગ્યમંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે બીમારીને અટકાવવા માટે જરૂરી પગલાં પ્રભાવક રીતે લઈ શકાય તે માટે તેને ‘આપદા’ જાહેર કરવામાં આવી છે. અને તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે.  આ ત્રણેય વિદ્યાર્થીઓ છે જે ચીનના વુહાનમાં અભ્યાસ કરી રહ્યા હતા. આ વાયરસનું મુખ્ય કેન્દ્ર ચીનનું વુહાન શહેર જ છે.

કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો વિદ્યાર્થી તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ચીનનના વુહાનથી ફેલાય રહેલા કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતે કોરોના વાઈરસથી પ્રભાવિત વુહાન શહેરમાંથી રવિવારે 323 ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને લઇને એર ઇન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્યાંથી 654 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યાં છે.

ભારત સરકારે ચીની યાત્રીઓ અને ત્યાં રહેતા વિદેશીઓ માટે ઈ-વિઝાની સુવિધા અસ્થાયી રૂપથી બંધ કરવાની જાહેરાત કરી. સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું જ્યારે ચીનના વુહાન શહેરમાં આ બિમારીથી અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ વાઈરસના કિટાણુ 25 દેશોમાં ફેલાઈ ચૂક્યા છે.