નવી દિલ્હી/મુંબઈ: દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ ફરી વધી રહ્યાં હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. બેઠકમાં વડા પ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તથા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોદીએ કહ્યું કે, ‘કોરોનાનો ખતરો હજી દૂર થયો નથી એ સ્પષ્ટ થઈ ગયું છે તેથી આપણે ગાફેલ બનવાનું નથી અને સતર્ક રહેવાનું ચાલુ રાખવાનું છે. અન્ય દેશોની સરખામણીમાં આપણે કોરોના કટોકટીને સરસ રીતે સંભાળી છે તે છતાં રાજ્યોમાં રોગના કેસ વધી રહ્યા છે. આપણે સતર્ક રહેવાનું જ છે.’ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઓનલાઈન માધ્યમથી સામેલ થયા હતા.
દરમિયાન, એક અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી ગયા હોવાથી સીમિત વિસ્તારોમાં નાગરિકો માટે મોઢાં પર માસ્ક પહેરવાનું ફરી ફરજિયાત બનાવવામાં આવે એવી શક્યતા છે.