તામિલનાડુઃ રથયાત્રામાં કરંટ લાગવાથી 11નાં મોત, 15 ઘાયલ

કાલીમેડુઃ તામિલનાડુના થાંજાવુર જિલ્લાના એક મંદિરમાંથી નીકળેલી રથયાત્રા દરમ્યાન વીજ કરંટ લાગવાથી કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે અને 15 જણ ઇજાગ્રસ્ત થયા છે. આ મૃતકોમાં બે બાળકોનો સમાવેશ પણ થયો હતો. વળી, આ દુર્ઘટનામાં જે 15 જણ ઇજાગ્રસ્ત થયા છે એમાં છ લોકોની હાલત નાજુક છે. આ ઇજાગ્રસ્તોમાંથી ત્રણ જણને થાંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના એ સમયે થઈ હતી, જ્યારે લોકો મંદિરની પાલખી પર ઊભા હતા. આ પાલખી કાલીમેડુના અપ્પર મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું. મંદિરની પાલખી ઓવરહેડ લાઇનના સંપર્કમાં આવવાને કારણે આ ભીષણ દુર્ઘઘટના બની હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું. આ દુર્ઘટના બાબતે FIR નોંધવામાં આવ્યો છે, એમ તિરુચિરાપ્પલીના ઇન્સેપ્કટર જનરલ ઓફ પોલીસ વી. બાલાક્રિષ્ણાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કેસ બાબતે તપાસ જારી છે.

આ દુર્ઘટના બની, તેમાં 10 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જેમાં ત્રણ જણના કરંટ લાગવાથી તત્કાળ મોત થયાં હતાં અને અન્ય સાત વ્યક્તિઓનાં સારવાર દરમ્યાન મોત થયાં હતાં.

તામિલનાડુમાં બનેલી આ દુર્ઘટના બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઘેરું દુઃખ વ્યક્ત કર્યું હતું. વડા પ્રધાને મૃતકોને રૂ.. બે લાખના અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી હતી. જ્યારે રાષ્ટ્રપતિએ પણ આ દુર્ઘટના બાબતે ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી.  તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને દુર્ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિઓને રૂ. પાંચ લાખની સહાયની જાહેરાત કરી હતી, તેઓ બપોર પછી હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લેવાના છે.