દિલ્હી વિશે વિચારો, ગઠબંધન વિશે નહીં: ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ લોકસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈને ચર્ચા ચાલી રહી છે, એ દરમ્યાન ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી સરકાર અને INDIA ગઠબંધનને આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગનો કોઈ મામલો નથી. દિલ્હીમાં જે મામલો છે એ એને બહાને વિજિલન્સ વિભાગને પોતાને હસ્તક લેવાનો મામલો છે. જેથી તેમના ભ્રષ્ટાચાર બહાર ના આવે.

હું તો સ્પષ્ટ કહું છું કે જે પાર્ટીઓ દિલ્હી સરકાર સાથે ઊભી છે, એ ભ્રષ્ટાચારીઓ સાથે ઊભી છે, પણ જનતા બધું જોઈ રહી છે. હું એ પાર્ટીઓને કહેવા ઇચ્છું છું કે તમે દિલ્હી વિશે વિચારો, ગઠબંધન વિશે નહીં, કેમ કે તમે કોઈ પણ ગઠબંધન બનાવી લો, કોઈ પણ નામ બદલી લો, પરંતુ વડા પ્રધાનપદે આવશે તો નરેન્દ મોદી જ. જનતાએ એનું મન બનાવી લીધું છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે લોકસભામાં કહ્યું હતું કે પટ્ટાભિ સીતારમૈયા સમિતિએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની ભલામણનો પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સી. રાજગોપાલાચારી, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ડો. ભીમરાવ આંબેડકરે પણ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની હોવાને નાતે બંધારણના અનુચ્છેદ 239 AAમાં એના માટે અલગ જોગવાઈ છે. બંધારણના અનુચ્છેદ 239 (AA) હેઠળ આ સંસદને દિલ્હી સંઘ રાજ્ય ક્ષેત્રથી સંબંધિત કોઈ પણ વિષય પર કાયદો બનાવવાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત થાય છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો આવી અને બંને પક્ષોએ (વિપક્ષ) સાથે ઝઘડો નથી, કર્યો, પણ 2015માં એવી સરકાર આવી જેનો હેતુ સેવા કરવાનો નહીં, માત્ર ઝઘડા કરવાનો છે.