કેન્દ્રની ફાર્મા કંપનીઓ માટે ઉત્પાદનના માપદંડો અનુસરવા સમયમર્યાદા

નવી દિલ્હીઃ ફાર્મા કંપનીઓ માટે ઉત્પાદન પ્રક્રિયાના નિયમો આકરા કરતા કેન્દ્રએ જાહેરાત કરી હતી કે જે કંપનીઓનું ટર્નઓવર રૂ. 250 કરોડ કરતાં વધુ છે, એ કંપનીઓને ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP- સારી ઉત્પાદન સુવિધા) વિકસાવવા માટે છ મહિનાનો સમયગાળો આપવામાં આવશે અને જે કંપનીઓનું ટર્નઓવર રૂ. 250 કરોડ કરતાં ઓછી છે એ કંપનીઓને 12 મહિનાનો સમયગાળો આપવામાં આવશે.

આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે GMPના માપદંડોને અનુસરવાની સમયમર્યાદા પહેલી ઓગસ્ટથી શરૂ થશે. તેમણે સ્વીકાર કર્યો હતો કે શિડ્યુઅલ એમ માટેના ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટના નિયમોને દવાઉત્પાદકોને યોગ્ય રીતે લાગુ નથી, પણ સરકાર હવે એમાં ફેરફાર કરી રહી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જે કંપનીઓ આ કાયદાની જોગવાઈઓનું છ મહિના કે એક વર્ષમાં પાલન નહીં કરે એ કંપનીઓને દંડ ફટકારવામાં આવશે. અધિકારીઓના જણાવ્યાનુસાર દેશમાં આશરે 10,500 ઉત્પાદન એકમો છે, જેમાંથી આશરે 8500 માઇક્રો, સ્મોલ અને મિડિયમ સ્તરના એકમો અથવા MSSE છે.

GMP ફરજિયાત માપદંડો છે, જે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, કાચી સામગ્રી, પ્રક્રિયા અને પર્યાવરણની વગેરેમાં જેતે પ્રોડક્ટના ઉત્પાદન માટે આવશ્યક છે. GMPને સૌપ્રથમ વાર 1988માં શિડ્યુઅલ Mમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ એમાં 2018માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. ભારતની દવાઓ નીચી અને મધ્યમ આવકના દેશોમાં નિકાસમાં અગ્રણી નિકાસકર્તા છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)થી પ્રમાણિત (સર્ટિફિકેશન)ની જરૂર હોય છે.