USએ એક વર્ષમાં એક લાખથી વધુ વિઝા રદ કર્યા

નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં વાપસી સાથે જ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અત્યંત કડક બની ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર છેલ્લા એક વર્ષમાં 1,00,000થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. પ્રશાસને સ્પષ્ટ કરી દીધું છે કે સુરક્ષા અને નિયમોના ઉલ્લંઘન મામલે કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. આ કડકાઈનો સીધી અસર અમેરિકામાં રહેતા ભારતીયો અને ત્યાં અભ્યાસ માટે જવાનાં સપનાં જોતા વિદ્યાર્થીઓ પર પડી છે.

વિઝા રદ થવાનાં ચાર મુખ્ય કારણો

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટ અનુસાર વિઝા રદ કરવામાં 150 ટકાનો વધારો નોંધાયો છે. તેના પાછળનાં મુખ્ય કારણો આ રહ્યાં:

  1. વિઝા ઓવરસ્ટે: વિઝાની મુદત પૂર્ણ થયા પછી પણ અમેરિકામાં રોકાવું.
  2. DUI (નશામાં વાહન ચલાવવું): દારૂ પીને વાહન ચલાવવાના કેસોમાં H-1B અને L-1 જેવા વિશેષજ્ઞ વિઝાધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
  3. આપરાધિક પ્રવૃત્તિઓ: ચોરી, મારામારી અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ.
  4. રાજકીય સક્રિયતા: વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની વિદેશ નીતિ વિરુદ્ધના પ્રદર્શન—જેમ કે ગાઝા યુદ્ધ મામલે પેલેસ્ટિનના સમર્થનમાં પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને ગ્રીન કાર્ડધારકોને પણ ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે.

ભારતીયો પર શી અસર પડી?

અમેરિકાની આ કડક નીતિના કેન્દ્રમાં ભારતીય નાગરિકો પણ રહ્યા છે, જેનો પુરાવો ભારત સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ આપે છે. 21 નવેમ્બર, 2025 સુધીમાં 3155 ભારતીયોને અમેરિકા પરથી પરત મોકલવામાં આવ્યા, જ્યારે 2024માં આ સંખ્યા 1368 અને 2023માં માત્ર 617 હતી. એટલે કે ડિપોર્ટેશનમાં નોંધપાત્ર વધારો થયો છે.

જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં 300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને હજારો સર્વિસ રેકોર્ડ્સ ટર્મિનેટ કરવામાં આવ્યા છે. હવે વિઝા અરજદારોના સોશિયલ મિડિયા પ્રોફાઇલ્સની પણ કડક અને વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.