નવી દિલ્હીઃ કર્ણાટકની સત્તા મેળવ્યાને કોંગ્રેસને હજી એક મહિનો જ થયો છે, ત્યારે રાજ્ય સરકારે ભાજપ દ્વારા પાસ કરવામાં આવેલા ધર્માંતરણના કાયદાને રદ કરવાનું નક્કી કરી લીધું છે. રાજ્ય સરકારની કેબિનેટે એના પર સર્વસંમતિ પણ આપી દીધી છે.
કર્ણાટકમાં સિદ્ધારમૈયાની સરકાર ટૂંક સમયમાં આ બિલને વિધાનસભામાં મૂકવાની તૈયારી કરી લીધી છે. આ બિલનું મુખ્ય ફોકસ ધર્મની સ્વતંત્રતાના અધિકારની સુરક્ષા કરવાનું છે અને એ સાથે ખોટી નિવેદનબાજી, જબરદસ્તી, પ્રલોભન દ્વારા એક ધર્મથી અન્ય ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવાનો છે. કર્ણાટકના મંત્રી એચકે પાટિલે કહ્યું હતું કે રાજ્યના મંત્રીમંડળે સ્કૂલો અને કોલેજોમાં ભજનની સાથે બંધારણની પ્રસ્તાવના વાંચવી ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય જણાવવામાં આવ્યું છે કે કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અધિનિયમમાં સંશોધનનો પણ નિર્ણય લીધો છે, જેથી જૂના કાયદાને બહાલ કરી શકાય છે.
તેમણે કહ્યું હતું કે કર્ણાટક મંત્રીમંડળે જૂના કાયદાને પરત લાવવા માટે રાજ્યમાં APMC એક્ટમાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. આજે કેબિનેટની બેઠકમાં પાઠ્યપુસ્તકોના પુનઃસમીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કર્ણાટકના શિક્ષણપ્રધાન મધુ બંગારપ્પાએ કહ્યું હતું કે કર્ણાટક કેબિનેટે સ્કૂલનાં પાઠ્યપુસ્તકોમાં RSS સંસ્થાપક કેબી હેડગેવાર અને અન્યોથી જોડાયેલા અધ્યાયોને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે તેમણે (પાછલી સરકારે) જે પણ ફેરફાર કર્યા છે, એને અમે બદલી નાખીશું.
જોકે સિદ્ધારમૈયા સરકારે ધર્માંતરણ પર લીધેતા નિર્ણય પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભાજપ નેતા બીસી નાગેશે કહ્યું હતું કે કોંગ્રેસ મુસલમાનોના મત ઇચ્છે છે. સિદ્ધારમૈયા સરકાર હિન્દુઓની વિરુદ્ધ છે. તેઓ હિજાબ ફરીથી શરૂ કરાવશે.
