વાવાઝોડું બિપરજોયઃ ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં સામેલ મિડિયાકર્મીઓ માટે સરકારની ચેતવણી

માંડવી (કચ્છ): દ્વારકા, ઓખામાં હાલ 60-90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે. કચ્છ જિલ્લાના માંડવી અને જખૌ બંદરગાહ શહેર-વિસ્તારોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. અહીંના દરિયામાં 15-20 ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યાં છે. દરિયામાં અત્યંત ભારે કરંટ જોવા મળે છે. વાવાઝોડું આજે રાતે 8-10 વાગ્યાની વચ્ચે ગુજરાતના આ સમુદ્રકાંઠે ત્રાટકે એવી સંભાવના છે. વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જશે તેમ પવનની ગતિ અને વરસાદનું જોર વધતું જશે.

ગુજરાતી સહિત અનેક ભાષાનાં પ્રકાશનગૃહો, ખાસ કરીને ખાનગી ટીવી ચેનલોનાં મિડિયાકર્મીઓ (રિપોર્ટરો, કેમેરામેન તથા અન્ય કર્મચારીઓ) ગુજરાતના સમુદ્રકાંઠાઓ પર જઈને જોખમ વહોરી લઈને રિપોર્ટિંગ કરી રહ્યાં છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા મિડિયાકર્મીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે આવી તમામ ટીવી ન્યૂઝ ચેનલો માટે એક ચેતવણી બહાર પાડી છે. તેણે કહ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ ખાતે જઈને રિપોર્ટિંગ કરવાથી રિપોર્ટરો, કેમેરામેનો તથા અન્ય કર્મચારીઓના જાન પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. મિડિયાની સંસ્થાઓને અમારી કડક ચેતવણી છે કે આ બાબતમાં તેઓ અત્યંત સાવચેતી રાખે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના કર્મચારીઓને મોકલવામાં અત્યંત કાળજી રાખે. મિડિયા સંસ્થાઓએ પોતાના કર્મચારીઓની સલામતી જોખમાય એવી રીતે તેમને જોખમી વિસ્તારોમાં મોકલવા ન જોઈએ.

ગુજરાતના સમુદ્રકાંઠાઓના જે વિસ્તારોમાં વાવાઝોડાનું જોખમ વધારે છે એ બધેથી હજારોની સંખ્યામાં લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.